નેશનલ

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી; કોલકાતા એરપોર્ટ હાઈ એલર્ટ પર

કોલકાતા: યુદ્ધ વિરામની જાહેરાત છતાં ભારતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. મંગળવારે બપોરે ઇન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દોડધામ મચી ગઈ (Bomb Threat at Kolkata Airport) હતી. કોલકાતા-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E5227 માં સવાર મુસાફરોને વિમાનમાંથી ઉતારીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં અને એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ એક અજાણ્યા શખ્સે એરપોર્ટ પર ફોન કરીને વિમાનમાં બોમ્બ હોવાનો દાવો કર્યો હતો. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું, “મુસાફરો ચેક-ઇન કર્યા પછી ફોન આવ્યો હતો. ફ્લાઇટ બપોરે 1.30 વાગ્યે ટેક ઓફ કરવાની હતી અને 4.20 વાગ્યે મુંબઈ લેન્ડ કરવાની હતી. ઇમરજન્સી પ્રોટોકોલનું પાલન કરીને તમામ 195 મુસાફરોને વિમાનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું અને વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું,”

આ પણ વાંચો: મુંબઈમાં એક બે દિવસમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા પ્રશાસન હરકતમાં

અધિકારીએ કહ્યું, “વિમાનમાંથી સામાન ઉતારવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડના કર્મચારીઓ વિમાનમાં છે. તેઓ વિમાનનું સ્કેનિંગ કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ સમગ્ર એરપોર્ટ પર સુરક્ષા કડક બનાવી છે.”

ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી એરપોર્ટ પર બોમ્બની ધમકીનો આ બીજો બનાવ છે.

6 મેના રોજ, મુંબઈ એરપોર્ટ પર એક ફોન આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંદીગઢથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ છે. બાદમાં, આ ધમકી પોકળ સાબિત થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button