જાણો કોણ છે બિહારના નાયબ મુખ્ય પ્રધાન બનનારા સમ્રાટ ચૌધરી, ભાજપ સાથે શું સંબંધ ધરાવે છે?
પટણા/નવી દિલ્હીઃ બિહારમાં ભારે રાજકીય ઉથલપાથલ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે અને નીતીશ કુમારની ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સાથે ગઠબંધનવાળી સરકાર બનવા જઈ રહી છે. આ નવી સરકારનો શપથગ્રહણ સમારંભ આજે સાંજે થવા જઈ રહ્યો છે, જેમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે નીતીશ કુમારના રાજીનામા પહેલા ભાજપે પુષ્ટિ કરી હતી કે તે નીતીશ કુમારની જેડીયુ (જનતા દળ યુનાઈટે) અને અન્ય સહયોગીઓ સાથે રાજ્યમાં સરકાર બનાવશે. બિહારના ધારાસભ્યોએ, ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ભાજપ, JDU અને અન્ય સહયોગીઓ સાથે રાજ્યમાં NDA સરકાર બનાવવાનો ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો, જેમાં સમ્રાટ ચૌધરીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે વિજય સિન્હા ઉપનેતા તરીકે ચૂંટાયા હતા.
54 વર્ષીય સમ્રાટ ચૌધરી કુશવાહ સમાજ માંથી આવે છે. સમ્રાટ 6 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. તેઓ અગાઉ લાલુ પ્રસાદની આરજેડી અને નીતિશ કુમારની જેડીયુ બંને સાથે જોડાયેલા હતા. બિહારમાં તેમને બીજેપીના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાના પગલાને લવ (કુર્મી) અને કુશ (કુશવાહા) મત મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. તેમણે 27 માર્ચ 2023માં બિહાર ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદભાર સંભાળ્યો હતો અને વિધાન પરિષદમાં વિપક્ષ નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ બિહારના પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
વર્ષ 2017 સુધીમાં તો તેઓએ ભાજપ સાથે નાતો જોડી લીધો હતો જે થોડા જ સમય બાદ (ભાજપ) નીતીશ કુમાર સાથે જોડાઈ ગયા હતા, જેમાં અગાઉની નીતીશના નેતૃત્વવાળી NDA સરકારમાં પંચાયતી રાજ મંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા હતા.
વર્ષ 1999માં તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. 2014માં લોકસભા ચૂંટણીમાં JDUની હારની નૈતિક જવાબદારી લેતા નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદ છોડ્યા બાદ સમ્રાટ ચૌધરીએ RJD છોડી દીધી હતી. ત્યાર બાદ સમ્રાટ, જીતનરામ માંઝી કેબિનેટમાં સામેલ થયા. તેમના પિતા, પીઢ રાજકારણી શકુની ચૌધરી, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નજીકના હતા.
બીજી મહત્ત્વની વાત જણાવીએ તો ગયા વખતે ભાજપે પછાત જાતિમાંથી આવેલા તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવીને ડેપ્યુટી તરીકે બનાવ્યા હતા. આ વખતે ભૂમિહાર સમુદાયમાંથી આવતા વિજય સિન્હા અને પછાત જાતિમાંથી આવતા સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવે તો નવાઈ રહેશે નહીં.