જાણો… રિસેસન, ડિપ્રેશન અને ટ્રમ્પેશન કયા તબક્કાથી પસાર થઇ રહ્યું છે વૈશ્વિક અર્થતંત્ર

મુંબઈ: ભારતીય શેરબજાર સહિત વિશ્વના મોટાભાગના બજારોની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. જેમાં શેરબજારમાં ઘટાડાના સંકેત, વધતી મોંધવારી અને યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર(Global Economy)મંદી તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના લીધે પણ અનેક દેશોના અર્થતંત્રમાં મંદીના સંકેત મળી રહ્યા છે. તેમા પણ જ્યારે પણ મંદીની વાત આવે છે ત્યારે વર્ષ 1929ની મહામંદીની ચર્ચા પ્રકાશમાં આવે છે. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ આવેલી મંદીએ દુનિયાની આર્થિક કમર તોડી નાખી હતી. જેમાં હાલ રિસેસન, ડિપ્રેશન અને સ્ટેગનેશન અને ટ્રમ્પેશન જેવા શબ્દો ખૂબ ચર્ચામાં આવ્યા છે.આવો આપણે સમજીએ આ શબ્દોનો શું અર્થ છે.
આ પણ વાંચો: ચીન, કેનેડા અને મેક્સિકોએ યુએસ પર ટેરીફ લાદ્યો; વૈશ્વિક અર્થતંત્ર પર પડશે ગંભીર અસર…
રિસેસન ( મંદી) Recession
રિસેસન( મંદી) શબ્દ એ અર્થતંત્ર સાથે જોડાયેલો શબ્દ છે. જે દેશની આર્થિક પરિસ્થિતિને પ્રતિબંબીત કરે છે. જેમાં દેશના અર્થતંત્રના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં સતત બે ત્રિમાસિક ગાળા (6 મહિના) સુધી ઘટાડો નોંધાય છે. આ અર્થતંત્રમાં સામાન્ય રિસેસન દર્શાવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે GDP ઘટે છે અને બેરોજગારી વધે છે. લોકો પોતાના ખર્ચા ઘટાડે છે અને રોકાણ ઘટે છે. કંપનીઓનો નફો ઘટે છે. શેરબજારમાં સતત ઘટાડાની સ્થિતિ જોવા મળે છે.
2008 માં આવેલી આર્થિક મંદી
જેમાં છેલ્લા ચાર દાયકામાં 1990ના દાયકાના મધ્યમાં 1980 ના દાયકાની શરૂઆતમાં અને 2008 માં આવેલી આર્થિક મંદી મંદીની શ્રેણીમાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ મંદીના અનેક કારણો ટાંકે છે. જેમાં ક્રૂડ ઓઇલ જેવી મૂળભૂત ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો અને 2008 માં લેહમેન બ્રધર્સ કટોકટી જેવી નાણાકીય બજારની ઉથલપાથલનો સમાવેશ થાય છે.
Depression(ડિપ્રેશન)
ડિપ્રેશન એ એક ગંભીર અને લાંબા સમય સુધી ચાલતી મંદી છે જે અર્થતંત્રમાં ઊંડા ઘટાડા અને વ્યાપક આર્થિક કટોકટી દ્વારા વર્ગીકૃત થયેલ છે. તે મંદી કરતાં વધુ ગંભીર અને લાંબા સમય સુધી ચાલતી સ્થિતિ છે. તેમાં GDP માં તીવ્ર ઘટાડો, ઉચ્ચ બેરોજગારી અને સામાજિક અસ્થિરતા શામેલ હોઈ શકે છે.
આ સ્થિતિમાં જીડીપી 10 ટકા કે તેથી વધુ ઘટી શકે છે. બેરોજગારીનો દર ઉછળે છે અને 20-30 ટકા સુધી પહોંચે છે. બેંકો અને વ્યવસાયો તેમનો વ્યવસાય ચાલુ રાખવામાં અસમર્થ છે અને મોટી સંખ્યામાં લોકો નાદારી માટે અરજી કરે છે.ભારતમાં અત્યાર સુધી આવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી નથી, પરંતુ વૈશ્વિક મંદીની ભારત પર પરોક્ષ અસર ચોક્કસપણે પડી છે.ડિપ્રેશનના કારણોમાં યુદ્ધ, ભયંકર રોગચાળો, શેરબજારમાં ભારે ઘટાડો જેવા અભૂતપૂર્વ સંકટનો સમાવેશ થાય છે.
સ્ટેગનેશન (Stagnation)
સ્ટેગનેશન એ આર્થિક ચક્રની એક એવી સ્થિતિ છે જેમાં અર્થતંત્રમાં વિકાસ દર ખૂબ જ ધીમો અથવા નહિવત હોય છે, પરંતુ મંદી જેવો કોઈ ઘટાડો થતો નથી. આ પરિસ્થિતિ સામાન્ય રીતે ઊંચી બેરોજગારી અને ઓછી ફુગાવા સાથે સંકળાયેલી હોય છે. આ તબક્કામાં જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ ઓછો અથવા સ્થિર હોય છે. બેરોજગારીનો દર ઊંચો રહે છે. ઉત્પાદકતા ઘટે છે.તેમાં કશું નવી પ્રવુતિ જોવા નથી મળતી.
ટ્રમ્પેશન (Trumpsession)
ટ્રમ્પેશન એ એક એવો શબ્દ છે જે સત્તાવાર આર્થિક પરિભાષાનો ભાગ નથી પરંતુ તે એક અનૌપચારિક અથવા નવો બનાવેલો શબ્દ છે. આ શબ્દ ડોનાલ્ડ ટ્રમ્પ અને મંદી શબ્દનું સંયોજન છે. જેનો અર્થ “ટ્રમ્પ સંબંધિત મંદી” અથવા “ટ્રમ્પની નીતિઓને કારણે મંદી આવી છે. આ શબ્દ મુખ્યત્વે ટ્રમ્પની આર્થિક નીતિઓ, ખાસ કરીને ટેરિફ વોર અને અન્ય નીતિઓની અસરોના પગલે ચર્ચામાં આવ્યો છે.