Monsoon Update 2024 : ભારતમાં આ રીતે થાય છે ચોમાસાનો પ્રવેશ…..જાણો ભારતીય ચોમાસાની પ્રણાલી
નવી દિલ્હી : ભારત અત્યારે તો તીવ્ર ગરમી અને હીટવેવમાંથી પસાર થઈ રહ્યો છે. અત્યારે લોકો વરસાદનાં રાહતના છાંટણાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ચોમાસું (Indian Monsoon) ક્યારે શરૂ થાય છે ? ભારતમાં ચોમાસાનો પ્રવેશ કઈ દિશામાંથી થાય છે અને કેવી રીતે આગળ છે?
ભારતમાં ચોમાસું નૈઋત્ય (Southwest Monsoon) પવનોને આભારી છે. ભારતમાં ચોમાસું જૂનની શરૂઆતથી લઈને સપ્ટેમ્બરના મધ્ય સુધી 100 થી 120 દિવસ સુધી ચાલે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું ભારતીય ઉપખંડના દક્ષિણ કિનારે પહોંચે છે. જો કે છેલ્લા ઘણા સમયથી ચોમાસાનું આગમન મે મહિનાના અંતિમ સપ્તાહમાં પણ થઈ રહ્યું છે.
ભારતમાં ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બરના મધ્ય સુધી ભારે વરસાદ હોય છે. કેટલીકવાર, અતિશય વરસાદ કેટલાક વિસ્તારોમાં પૂરની અસરો જોવા મળે છે. જેની ઘેરી અસરો મુખ્યત્વે મેદાની વિસ્તારોમાં જોવા મળે છે.
તે ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ પ્રણાલીઓ છે કે જેનાથી વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે છે. ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
ચોમાસું બે શાખાઓમાં ભારતીય ભૂમિ પર પહોંચે છે:
અરબી સમુદ્ર શાખા – ચોમાસાના પવનો અરબી સમુદ્ર પર ઉદ્દભવે છે. તે પશ્ચિમઘાટ, મુંબઈ અને ગુજરાતના કીનારાઓથી ભારતમાં આગળ વધે છે. ત્યાંથી તે મહારાષ્ટ્ર, સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ભાગો સુધી પહોંચે છે. જ્યાંથી આગળ જઈ ઉત્તર ભારતના મેદાનોમાં બંગાળની ખાડીથી આવતી શાખા સાથે ભળી ઉત્તર ભારતમાં વરસાદ આપે છે.
બંગાળની ખાડી શાખા – મ્યાનમારના દરિયાકાંઠે અરાકાન ટેકરીઓ આ શાખાના મોટા ભાગને ભારતીય ઉપખંડ તરફ વાળે છે. તેથી, ચોમાસું દક્ષિણ-પશ્ચિમ દિશાને બદલે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. જ્યાથી ગંગાની ખીણનાં પ્રદેશોમાં વરસાદ આપે છે. જ્યાં આગળ જતા અરબ સાગરની શાખાઓ સાથે ભાળીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણામાં વરસાદ આપે છે.