જાણો .. પાકિસ્તાનના ડ્રોન -મિસાઈલ હુમલામાં સુરક્ષિત અમૃતસરના સુવર્ણ મંદિરનો રસપ્રદ ઇતિહાસ

અમૃતસર : પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિર એક ગુરુદ્વારા છે. જે શીખ ધર્મનું એક અગ્રણી આધ્યાત્મિક સ્થળ છે. તે શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. જોકે, સુર્વણ મંદિરમાં દરેક ધર્મના લોકો આસ્થા સાથે દર્શન અને
પ્રાર્થના કરવા આવે છે. વિશ્વભરમાંથી પણ લોકો સુવર્ણ મંદિર જોવા માટે આવે છે. સુવર્ણ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. સુવર્ણ મંદિર શરૂઆતથી સોનાનું બનેલું નહોતું પરંતુ પછીથી તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. સુવર્ણ મંદિર પર પણ ઘણી વખત વિદેશી આક્રમણકારોના હુમલા થયા છે. તેમજ આઝાદી પછી પાકિસ્તાને પણ અનેક વખત સુવર્ણ મંદિર પર હુમલો પણ કર્યો છે. જોકે, હાલ પાકિસ્તાને કરેલા ડ્રોન મિસાઈલ હુમલામાં સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનું પ્રકાશમાં આવ્યું છે. જેના લીધે સુવર્ણ મંદિર ચર્ચામાં આવ્યું છે.
પાંચમા શીખ ગુરુએ સૌપ્રથમ આ મંદિરની રચના કરી હતી
પંજાબના અમૃતસરમાં સ્થિત ગુરુદ્વારાને સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેના પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેમાં 500 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર શ્રી હરમંદિર સાહિબ તરીકે પણ ઓળખાય છે. મંદિરના નિર્માણની વાત કરીએ તો પાંચમા શીખ ગુરુએ સૌપ્રથમ આ મંદિરની રચના કરી હતી. તેમનું નામ ગુરુ અર્જન હતું. આ મંદિરના નિર્માણ પહેલા શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકજી અહીં ધ્યાન કરતા હતા. આ મંદિરનું બાંધકામ વર્ષ 1581 માં શરૂ થયું હતું. જેને પૂર્ણ થતા લગભગ 8 વર્ષ થયા હતા.
200 વર્ષ પછી સોનાનું ઢોળકામ
આ ગુરુદ્વારાના નિર્માણ પછી તે શીખો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું. દેશભરમાંથી શીખો અહીં આવવા લાગ્યા. જોકે મુઘલોએ આ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો હતો. વર્ષ 1762માં મુઘલ સેનાએ આ મંદિર પર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. જોકે, તે સમયના શીખ શાસક મહારાજા રણજીત સિંહે મંદિરના નિર્માણના લગભગ 200 વર્ષ પછી 1809 માં ફરી એકવાર તેનો જીર્ણોદ્ધાર કર્યો.
સોનાના 7 થી 9 સ્તરોનો ઉપયોગ કરતા હતા
આ મંદિરના નવીનીકરણમાં આરસ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ પછી, વર્ષ 1830 માં, મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યું. તેમાં 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મંદિર 90 ના દાયકામાં ફરીથી બનાવવામાં આવ્યું હતું અને તેમાં 500 કિલોથી વધુ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહારાજા રણજીત સિંહ શરૂઆતમાં સોનાના 7 થી 9 સ્તરોનો ઉપયોગ કરતા હતા. જોકે પછીથી તેને વધારીને 24 સ્તરો કરવામાં આવ્યા.
આપણ વાંચો: સુવર્ણ મંદિર સહિત 8 શહેરો હતા પાકિસ્તાનના નિશાના પર, એક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
અમૃત સરોવરમાં સ્નાન કરવાથી રોગો પણ દૂર થાય
શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકજી સાથે સંકળાયેલા હોવાને કારણે આ મંદિરનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ ઉપરાંત પછીના શીખ ગુરુઓ પણ આ સુવર્ણ મંદિર સાથે સંકળાયેલા હતા. સુવર્ણ મંદિરની આસપાસ એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. જેને અમૃત સરોવર કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ અમૃત સરોવરનું પાણી પવિત્ર છે. તેમાં સ્નાન કરવાથી જ વ્યક્તિના કર્મો શુદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે અમૃત સરોવરમાં સ્નાન કરવાથી રોગો પણ દૂર થાય છે.
સુવર્ણ મંદિર અચાનક ચર્ચામાં આવ્યું
હકીકતમાં, તાજેતરમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની મદદથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને તેની સેનાને થોડા જ દિવસોમાં ઘૂંટણિયે પાડી દીધા. જોકે, કાયર પાકિસ્તાની સેનાએ જાણી જોઈને ભારતીય નાગરિક લક્ષ્યોને નિશાન બનાવ્યા. હવે ભારતીય સેનાએ પાકિસ્તાનના વધુ એક કાયર કૃત્યનો પર્દાફાશ કર્યો છે. ભારતીય સેનાએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલોથી પંજાબના અમૃતસર સ્થિત પવિત્ર સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.