બેંગલુરુ બ્લાસ્ટ પર સીએમ સિદ્ધારમૈયાનો જવાબ જાણો….
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટના મામલામાં પોલીસ હજુ સુધી અંધારામાં જ છે. પોલીસ આરોપીઓને પકડી શકી નથી. આ જ કારણસર ભાજપ રાજ્યની કોંગ્રેસ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. દરમિયાન કર્ણાટકના ગૃહ પ્રધાન ડો.જી પરમેશ્વરાએ કહ્યું છે કે આરોપી કેમેરામાં કેદ થઈ ગયો છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટ થયો ત્યારે BMTCની 26 બસો ત્યાંથી પસાર થઈ હતી.
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આ વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ગઈકાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. મને ખબર નથી કે લેટેસ્ટ અપડેટ શું છે, મારે તેની સાથે વાત કરવાની બાકી છે. 1-2 દિવસમાં ધરપકડ કરવામાં આવશે કારણ કે અમને સુરાગ મળી ગયા છે. નોંધનીય છે કે બેંગલૂરુ શહેરના રામેશ્વરમ નામની રેસ્ટોરન્ટમાં શુક્રવારે થયેલા ઓછી તીવ્રતાવાળા આ બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ મામલે બેંગલુરુ પોલીસે આ સંબંધમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
આ વિસ્ફોટ સવારે થયો હતો અને વિસ્ફોટ થતાં જ અંદર કાફે ધુમાડોથી ભરાઈ ગયું હતું. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. એક સમયે લોકોને એમ લાગ્યું હતું કે કદાચ આ સિલિન્ડર બ્લાસ્ટ છે, પરંતુ જ્યારે પોલીસ અને NIAની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો શંકાની સોય બીજી દિશામાં ફરી ગઈ. પોલીસે સમગ્ર કાફેને સીલ કરી દીધું છે અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. શનિવારે સવારે એનએજીની ટીમ પણ રામેશ્વરમ કાફે પહોંચી હતી. એનએસજીએ આખા કાફેની તપાસ કરી, બોમ્બ સ્ક્વોડની ટીમે કેફેની અંદર અને બહાર તપાસ કરી હતી. સર્ચ દરમિયાન બ્લાસ્ટમાં વપરાયેલી બેટરી અને ટાઈમર પણ મળી આવ્યા હતા.