વન-ડે વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો કેએલ રાહુલ
બેંગલૂરુ: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેણે માત્ર ૬૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રાહુલ પહેલા સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો અને બાદમાં મોટા શોટ ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં રાહુલની આ બીજી સદી છે. આ પહેલા તેણે ૨૦૧૯ વર્લ્ડ કપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ સામે સદી ફટકારી હતી. રાહુલે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામે ૬૩ બોલમાં સદી ફટકારી હતી.
વિરેન્દ્ર સેહવાગે વર્ષ ૨૦૦૭માં માત્ર ૮૧ બોલમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ
૨૦૧૧ વર્લ્ડ કપમાં
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામે ૮૩ બોલમાં સદી ફટકારી હતી. રાહુલ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે માત્ર ૬૪ બોલમાં ૧૦૨ રન કર્યા હતા.
ત્યારબાદ રાહુલે શ્રેયસ સાથે મળીને ૧૨૮ બોલમાં ૨૦૮ રનની શાનદાર ભાગીદારી કરી હતી. રાહુલે પોતાની ઇનિંગ દરમિયાન ૧૧ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી હતી. મેચ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૯.૩૮ હતો.
આ વર્લ્ડ કપમાં રાહુલે ૯ મેચની ૮ ઇનિંગ્સમાં ૬૯.૪૦ની એવરેજથી ૩૪૭ રન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે ૯૩.૫૩ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.