વક્ફ બોર્ડ પાસે છે કેટલી સંપત્તિ, કેન્દ્રીય પ્રધાને રાજ્યસભામાં આપ્યા સચોટ આંકડા?
વક્ફની સંપત્તિના યોગ્ય વ્યવસ્થાપનને કારણે દેશના મુસ્લિમોનું થશે 'કલ્યાણ'

નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ, 2025 (Waqf Amendment bill) રજુ કર્યું હતું, જેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે આ બીલ લોકસભામાંથી પસાર થઈ ગયું હતું. આજે ગુરુવારે લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijiju)એ રાજ્યસભામાં બીલ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વકફ સુધારા બિલ પર પહેલા સરકાર અને પછી સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC) એ વિવિધ પક્ષો સાથે વ્યાપક ચર્ચા કરી હતી.
લોકસભામાંથી પસાર થયા બાદ વકફ સુધારા બિલ, 2025 ને રાજ્યસભાના ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કીરેન રીજીજુએ દેશમાં વકફ સંપતિ અંગે મહત્વની માહિતી રજુ કરી હતી. તેમણે કહ્યું કે 2006 માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી અને તેમાંથી કુલ આવક ફક્ત 163 કરોડ રૂપિયા હતી, જ્યારે 2013 માં ફેરફારો કર્યા પછી પણ આવકમાં ફક્ત 3 કરોડ રૂપિયાનો વધારો થયો. તેમણે કહ્યું કે આજે દેશમાં કુલ 8.72 લાખ વકફ મિલકતો છે.
રિજિજુના કહ્યું કે રેલ્વે અને સંરક્ષણ વિભાગ પછી, વક્ફ બોર્ડ પાસે ભારતમાં સૌથી વધુ મિલકત છે. તેમણે કહ્યું કે જો આપણે જોઈએ તો, વકફ બોર્ડ પાસે વિશ્વમાં સૌથી વધુ મિલકત છે કારણ કે રેલ્વે અને સંરક્ષણ વિભાગની જમીન જનતા અને દેશની મિલકત છે.
ગરીબ મુસ્લિમોને ફાયદો થશે
રિજિજુએ વધુમાં કહ્યું કે આ બિલ કાયદો બનતા ગરીબ મુસ્લિમોને ફાયદો થશે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની જમીનને વકફ બનાવવા માંગે છે, તો વિધવા, તલાકશુદા મહિલા અથવા અનાથ બાળકોના કબજામાં રહેલી મિલકતને વકફ કરી શકશે નહીં.
તેમણે કહ્યું કે આ સિવાય, રાષ્ટ્રીય સંપત્તિ અથવા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવતા સ્મારકો અથવા જમીનને વકફ મિલકત તરીકે જાહેર કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે આજે વકફ સંબંધિત 31 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે, તેથી વકફ ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે બિલમાં અપીલના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિને લાગે કે તેને વક્ફ ટ્રિબ્યુનલમાં ન્યાય ન મળે, તો તે સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે છે.
આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…
બીલ અંગે સ્પષ્ટતા કરી
કીરેન રિજિજુએ વધુમાં જણાવ્યું હતું કે બિલમાં મુતવલ્લી માટે જોગવાઈ છે જે વકફ મિલકતનું સંચાલન કરે છે, તેના વહીવટ અને દેખરેખ રાખે છે. રિજિજુએ કહ્યું, ‘વકફ બોર્ડ કોઈપણ રીતે વકફ મિલકતનું સંચાલન કે દખલ કરતું નથી.’
રીજીજુએ 2013 માં લાવવામાં આવેલા બિલ માટે રચાયેલી JPC અને વર્તમાન JPC ની કામગીરીની તુલના કરતા કહ્યું કે અગાઉની JPCની તુલનામાં, નવી સમિતિના સભ્યોની સંખ્યા, બેઠકોની સંખ્યા, ચર્ચાઓ કરતા રાજ્યોની સંખ્યા ઘણી વધારે છે. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા વકફ સંપતિની બાબતોમાં મુસ્લિમો સિવાય અન્ય કોઈ હસ્તક્ષેપ નહીં કરી શકે અને આ અંગે ફેલાવવામાં આવી રહેલી બધી ગેરમાન્યતાઓ પાયાવિહોણી છે.
રિજિજુએ કહ્યું કે પ્રસ્તાવિત બિલની જોગવાઈ મુજબ નિયુક્ત ચેરિટી કમિશનર ફક્ત એ તપાસવા માટે જવાબદાર રહેશે છે કે વકફ બોર્ડ અને તેના હેઠળની જમીનોનું યોગ્ય રીતે સંચાલન થઈ રહ્યું છે કે નહીં. તેમણે કહ્યું કે આ દ્વારા સરકાર અને વક્ફ બોર્ડ મસ્જિદ સહિત કોઈપણ ધાર્મિક સંસ્થાના કોઈપણ ધાર્મિક કાર્યમાં દખલ કરશે નહીં.