નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વક્તા અને નેતા તરીકે અયોગ્ય ગણાવ્યા કહ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતાઓ રાહુલ ગાંધીની નેગેટિવિટીના કારણે જ ભાજપ તરફ વળ્યા છે. જે નેતાઓ હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમને રાહુલ ગાંધીમાં કોઈ આશા નથી દેખાતી. એ તમામ નેતાઓનું કહેવું છે કે કંઇક તો એવી વાત હોવી જોઈએ જેમ કે લોકો સાથે કેવી રીતે જોડાયેલા રહેવું કે પછી ખરેખર જનતાને શું પ્રશ્નનો છે. પરંતુ રાહુલ ગાંધી એવું કંઈ સમજતા જ નથી. અને એટલે જ કોંગ્રેસના યુવા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમને રાહુલ ગાંધીમાં જનતાનું કે તેમનું કોઈ ભવિષ્ય દેખાતું નથી.
અત્યારે રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય’ યાત્રા પર છે. આ યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના ઈમ્ફાલથી થોડા કિલોમીટર દૂર થૌબલથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા કિરેન રિજિજુએ એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ તેઓ બોલે છે, ત્યારે તેમના પોતાના જ પક્ષના નેતાઓને શરમ અનુભવે છે.
કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમને વધુમાં ઉમેર્યું હતું કે મને કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક સારા અને સમજુ લોકો માટે દુ:ખ થાય છે. પછી તે વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય કે અન્ય કોઈ નેતા જેમકે અત્યારે અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે. આ બધા સારા નેતાઓ છે, પરંતુ તેમની પાસે કોઈ સત્તા નથી. અમારા નેતાઓ નેતૃત્વ કરે છે અને સત્તાથી પોતાની વાત રાખી શકે છે. જ્યારે વડા પ્રધાન કોઈપણ વિષય પર સંસદમાં પોતાનો મુદ્દો રાખે છે ત્યારે તેમની જેમ કોઈ પણ વ્યક્તિ પોતાની વાત સંસદમાં રાખી શકતી નથી.
આ ઉપરાંત કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની અત્યારે જે પણ યાત્રા કરી રહ્યા છે તેનો કોઈ મતલબ નથી. આમ તેમને રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય’ યાત્રાને અયોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપની ‘વિકાસ ભારત સંકલ્પ’ યાત્રા જ વાસ્તવિક યાત્રા હતી. ભાજપની યાત્રામાં અને રાહુલ ગાંધીની યાત્રામાં ઘણો તફાવત છે. કારણ કે અમે લોકો સાથે હંમેશા જોડાયેલા રહીએ છીએ.