સ્પેશિયલ ટ્રેન દ્વારા રશિયા જવા રવાના થયા સરમુખત્યાર કિમ જોંગ-ઉન
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરશે સિક્રેટ મીટિંગ

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન તેમની સ્પેશિયલ ટ્રેનમાં મોસ્કો જવા રવાના થઇ ગયા છે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. રિપોર્ટ અનુસાર, યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયાર આપવા પર કિમ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં બંને દેશ વચ્ચે સંભવિત શસ્ત્ર સોદો થઇ શકે છે, જેને કારણે પશ્ચિમી દેશોની ચિંતા વધી ગઇ છે.
રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉન પુતિનના આમંત્રણ પર રશિયા આવી રહ્યા છે અને આ બેઠક આગામી દિવસોમાં થશે. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNAએ પણ કિમ જોંગની પુતિન સાથેની મુલાકાતની પુષ્ટિ કરી છે.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે પુતિન આ મહિને કિમ જોંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જોન કિર્બીએ કહ્યું હતું કે રશિયા અને ઉત્તર કોરિયા હથિયારો અંગે ચર્ચા કરી રહ્યા છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
હવે રશિયા શસ્ત્રો માટે ઉત્તર કોરિયા સાથે હાથ મિલાવી રહ્યું છે. આ પહેલા ઉત્તર કોરિયાએ રશિયાને મિસાઈલો આપી હતી.
અમેરિકન અધિકારીઓનો દાવો છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને હથિયારોની સખત જરૂર છે, આવી સ્થિતિમાં તે ઉત્તર કોરિયા સાથે હથિયારોની ડીલ કરી શકે છે. બીજી તરફ ઉત્તર કોરિયા પાસે બોમ્બ અને બંદૂકોની કોઈ કમી નથી. દુનિયાભરના પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાને આર્થિક સંકટના કારણે પૈસાની જરૂર પડી રહી છે, આવી સ્થિતિમાં બંનેની જરૂરિયાતો એકબીજાથી પૂરી થઇ શકે છે.