છત્તીસગઢના એક ગામમાં સત્તરથી અઢાર વાનરને માર્યાં…
દુર્ગ/બેમેતરાઃ છત્તીસગઢના બેમેતરા જિલ્લાના એક ગામમાં ૧૮થી ૧૯ વાંદરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે વન વિભાગે વાંદરાના કથિત મૃત્યુની તપાસ શરૂ કરી છે અને ચાર સડી ગયેલા મૃતદેહો જપ્ત કર્યા છે. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો : Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ
પંચાયતના એક પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે કેટલાક ગ્રામજનો દ્વારા વાંદરાના ટોળાને ભગાડવા માટે રાખવામાં આવેલા બે મજૂરોએ ૧૭ વાનરોની ગોળી મારીને હત્યા કરી દીધી અને વન વિભાગ પર ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ દાવાનો વિરોધ કરતાં વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાનરના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જ્યારે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બેલગામ ગ્રામ પંચાયતના પંચ સીતારામ વર્માએ જણાવ્યું હતું કે કથિત ઘટના ૨૮ ઓગસ્ટના રોજ બેલગામ ગામમાં બની હતી, જ્યારે કેટલાક ગ્રામજનો દ્વારા વસાહતમાંથી વાંદરાઓને ભગાડવા માટે ભાડે રાખેલા બે લોકોએ બંદૂકો વડે ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં કેટલાક વાંદરાઓ ઘાયલ પણ થયા છે.
વર્માએ દાવો કર્યો કે રાજ્ય સરકારના અધિકારીઓને વાંદરાઓની હત્યા અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ ઘટનાના બે દિવસ પછી ૩૦ ઓગસ્ટના રોજ પંચનામા માટે ગામમાં આવ્યા હતા.
તેમણે દાવો કર્યો કે ઘણા વાંદરાઓના મૃતદેહ રખડતા કૂતરાઓ ખાઇ ગયા હતા. વન વિભાગ ૭ વાનરના સડી ગયેલા મૃતદેહો અને હાડપિંજર સાથે લઇ ગયા હતા.
ઘાયલ વાનરમાંથી કેટલાક મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક ભાગી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વન વિભાગ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.