૧૨ ફેબ્રુઆરીએ બિહારમાં ‘ખેલા હોગા’, નીતીશ કુમાર સામે ‘વિશ્ર્વાસ મત’નો પડકાર
પટણા: છેલ્લા ઘણા દિવસોથી બિહારનું રાજકારણ ચર્ચામાં રહ્યું છે. નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડીને ફરી વખત ભાજપ સાથે હાથ મિલાવીને એનડીએ સાથે બિહારમાં પોતાની નવી સરકાર બનાવી. ત્યાર બાદ નીતીશ કુમારે તુરંત નિવેદન આપ્યું હતું કે હવે તે અહીંથી (એનડીએ) બીજે ક્યાંય નહીં જાય. આ બધા જ ઘટનાક્રમમાં તેજસ્વી યાદવે એક સૂચક નિવેદન આપ્યું હતું કે ‘ખેલા હોગા’ એટલે કે તેને ઇશારામાં જ પોતાની આગામી રણનીતિના એંધાણ આપી દીધા હતા કે સાચી રમત તો હવે શરૂ થશે. ત્યારે આગામી ૧૨ ફેબ્રુઆરીએ નીતીશ કુમારની આગેવાની વાળી એનડીએ સરકાર સામે ‘વિશ્ર્વાસ મત’નો પડકાર સામે આવ્યો છે.
શું વિશ્વાસ મતમાં ક્રોસ વોટિંગની શક્યતા છે? આ સવાલના જવાબ પર રાષ્ટ્રીય જનતા દળનું કહેવું છે કે “ખેલા હોગા અને આ ડરના કારણે નીતીશ કુમાર પહેલાથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જઈ મળ્યા. જ્યારે આરજેડીના મુખ્ય પ્રવક્તા ભાઈ વીરેન્દ્રને પૂછવામાં આવ્યું કે શું જેડીયુના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે, તો તેમણે કહ્યું કે અત્યારે રાઝ ને રાઝ જ રહેવા દો.
દરમિયાન જેડીયુએ જ્યારે દાવો કર્યો છે કે તેના દરેક ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં છે અને રવિવાર વિધાનસભા સત્રની પૂર્વ સંધ્યાએ ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે. પાર્ટીના અગ્રણી નેતા અને મંત્રી શ્રવણ કુમાર જણાવે છે કે હકીકતમાં આ ડર આરજેડી અને કૉંગ્રેસ પાર્ટીને છે એટલા માટે જ તેને પોતાના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા છે.
બુધવારે દિલ્હીમાં સીએમ નીતીશ કુમારે વડા પ્રધાનની મુલાકાત લીધી હતી. એનડીએ સરકારમાં સામેલ થયા પછી બંને વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. વારંવાર પોતાનું સ્થાન બદલતા રહેતા નીતીશ કુમારે કહ્યું હતું કે તે હવે એનડીએ નહીં છોડે અને ત્યારબાદ તેમણે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.