ભારત ચોક્કસ કરશે હુમલો, પણ અમે એલર્ટઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કબૂલ્યું…
પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડ કાઢીને આર્મી શેલ્ટર્સમાં શિફ્ટ કરાયા

નવી દિલ્હી/શ્રીનગર/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ ઊભો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન પોતાને બચાવવા માટે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા હવે એને ખાલી કરવાની નોબત આવી ગઈ છે. બીજી બાજુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારત તરફથી સૈન્ય હુમલો કરશે અને એ પણ ટૂંક સમયમાં.
અમારા અસ્તિત્વનું જોખમ ઊભું થયું તો…
ભારતના હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને ખ્વાજા આસિફે કહ્યું હતું કે અમે સુરક્ષાદળોને મજબૂત કરવાનું શરુ કર્યું છે, કારણ કે ભારત તરફથી હુમલો થવાનું નિશ્ચિત છે. આસિફે કહ્યું કે પાકિસ્તાન પણ હાઈ એલર્ટ મોડ પર છે. જો અમારા અસ્તિત્વ અંગે જોખમ ઊભું થયું તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.
પીઓકેમાં આર્મી શેલ્ટર્સ શિફ્ટ કરાયા
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના લોન્ચ પેડ કાઢીને હવે આર્મી શેલ્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની આર્મીએ આતંકવાદીઓને કહ્યું છે કે આર્મી શેલ્ટર અથવા બન્કરોમાં જતા રહે. પીઓકે સ્થિત તમામ લોન્ચ પેડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે પીઓકે સ્થિત લોન્ચ પેડથી ગાઈડ મારફત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરની સરહદમાં ઘૂસણખોરી કરતા હતા.
ભારતીય લશ્કરે લોન્ચ પેડની કરી ઓળખ
લોન્ચ પેડથી આતંકવાદીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે એની ભારતીય આર્મી દ્વારા ઓળખ કરવામાં આવી છે. કેલ, સારડી, દુધનિયાલ, અથમુકમ, જુરા, લીપા, પછિબન, ફોરવર્ડ કહુટા, કોટલી, મંધાર, નિકેલ, ચમનકોટ અને જાનકોટે વગેરે લોન્ચ પેડ છે, જ્યાં હંમેશાં આતંકવાદીઓ હાજર હોય છે.
એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા વધારી
સરહદ પર તણાવની વચ્ચે કાશ્મીરમાં એલઓસી નજીક પણ બંને દેશોએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. થોડા વર્ષોથી શાંતિ પછી બંને દેશની આર્મી અને સ્થાનિકોમાં પણ અત્યારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને પીઓકેમાં ભારતીય સેનાની કાર્યવાહી પછી સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો છે.
પાકિસ્તાનવતીથી સિઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન છેલ્લા અઠવાડિયાથી જમ્મુકાશ્મીરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે અને પહલગામ હુમલા પછી પાકિસ્તાન ઉલ્લંઘન કરે રાખે છે. એપ્રિલ 2025માં અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં પાકિસ્તાન દ્વારા ઉકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભારતીયસેના પણ તેનો અસરકારક-આક્રમક રીતે જવાબ આપે છે, પરંતુ એનાથી નાગરિકોને નુકસાન થયું નથી.