બિહારના સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ખટરાગ? કોલેજના ઉદ્ઘાટનમાં મળ્યા સંકેતો
બિહાર: સીએમ નીતિશકુમારની NDAમાં સામેલ થવાની અટકળો વચ્ચે રવિવારે એક કોલેજના કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ખટરાગ હોવાના સંકેતો મળ્યા.
ઘટના એ બની છે કે સમસ્તીપુરમાં શ્રીરામ જાનકી મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. સીએમના હસ્તે ઉદ્ઘાટન પતી ગયા બાદ ભાષણ આપવાનો વારો હતો. પ્રોટોકોલ મુજબ પહેલા ઉપમુખ્યપ્રધાન ભાષણ આપે, પરંતુ મુખ્યપ્રધાન નીતિશકુમારે પહેલા ભાષણ આપ્યું. એ પછી તેજસ્વી યાદવે લોકોને સંબોધન કર્યું. જો કે સીએમના ભાષણ સમયે ઉપસ્થિત લોકોએ તેજસ્વી યાદવ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
ઉદ્ઘાટન સમયે સીએમની બાજુમાં તેજસ્વીને બદલે રાજ્યના પ્રધાન વિજયકુમાર ચૌધરી ઉભા રહ્યા હતા. નીતિશકુમારની બાજુમાં ઉભા રહેવાને બદલે તેજસ્વી યાદવ ધીમે ધીમે ચાલીને એક ખૂણા પાસે ઉભા રહી ગયા. એ પછી સ્ટેજ પર લોકોનું અભિવાદન કરવા માટે જ્યારે સીએમ નીતિશકુમાર પહોંચ્યા ત્યારે તેજસ્વી તેમની સાથે નહોતા, તેઓ થોડા સમય બાદ સ્ટેજ પર પહોંચ્યા હતા.
આ પછી વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે સમયનો અભાવ હોવાથી મુખ્યપ્રધાન 2 મિનિટ લોકોને સંબોધન કરશે, નીતિશકુમારે લગભગ એક મિનિટ જેટલું બોલ્યા પણ તે દરમિયાન દર્શકોમાંથી તેજસ્વી યાદવના નારા લાગ્યા, અને નીતિશકુમારે પોતે જ તેજસ્વીને ભાષણ આપવા બોલાવ્યા. આમ બંને નેતાઓનું આ પ્રકારનું વર્તન બિહારમાં રાજકીય ઉથલપાથલના એંધાણ આપી રહ્યું છે.