ખડગેની જીભ લપસી જતા ‘મોદી-શાહના ગેમ પ્લાન’નો પર્દાફાશ થયો! જયરામ રમેશનો ભાજપ પર પલટવાર
નવી દિલ્હી: કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ એક જાહેર સભાને સંબોધતા કલમ 370ને બદલે ભૂલથી ‘કલમ 371 નાબુદ કરવામાં આવી’ એવું બોલી ગયા હતા, ત્યાર બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને ખડગેને પર કટાક્ષ કર્યા હતા. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ(Jairam Ramesh)એ શનિવારે ભાજપ પલટવાર કરતા દાવો કર્યો હતો કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અજાણતા જ ભારતીય બંધારણની કલમ 371 પણ બદલવાના “મોદી-શાહ ગેમ પ્લાન”નો પર્દાફાશ કર્યો હતો.
ખડગેના આ નિવેદનનો વિડીયો વાયરલ થયો હતો, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખડગેની આ ભૂલ અંગે કહ્યું કે કૉંગ્રેસની આવી ભૂલોએ આપણા દેશને દાયકાઓથી હેરાન કર્યો છે.
ખડગેના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા રમેશે કહ્યું કે તેમની જીભની લપસી ગઈ હતી અને કોંગ્રેસ અધ્યક્ષનો સ્પષ્ટ અર્થ કલમ 370 હતો. સાથે સાથે જયરામ રમેશે દાવો કર્યો કે અમિત શાહે તરત જ કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર કર્યા. પરંતુ સત્ય એ છે કે મોદી ખરેખર નાગાલેન્ડ સંબંધિત કલમ 371-A, આસામ સંબંધિત કલમ 371-B, મણિપુર સંબંધિત કલમ 371-C, સિક્કિમ સંબંધિત કલમ 371-F મિઝોરમને લગતી કલમ 371-G અને અરુણાચલ પ્રદેશને લગતી કલમ 371-H કલમ બદલવા માંગે છે.
કોંગ્રેસના મહાસચિવે જયરામ રમેશે કહ્યું કે “અમિત શાહ આટલા બધા ઉશ્કેરાઈ ગયા કારણ કે ખડગેજીએ આર્ટિકલ 371 પર મોદી-શાહના ગેમપ્લાનનો અજાણતા જ પર્દાફાશ કર્યો હતો.”
ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમિત શાહે કહ્યું હતું કે, “કોંગ્રેસની માહિતી ખાતર જણાવી દઉં કે, મોદી સરકારે રદ કરીએ કલમ 371 નહીં, પરંતુ કલમ 370 હતી. જો કે, કોંગ્રેસ પાસે આવી ભયાનક ભૂલો કરવાની અપેક્ષા છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂલોએ આપણા દેશને દાયકાઓથી પરેશાન કર્યો છે.”