કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટર સુખદૂલ સિંહ ગિલની હત્યા
ટોરોન્ટોઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. એવામાં એક સનસનીખેજ સમાચાર આવ્યા છે, જેને કારણે બંને દેશઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વધુ વણસે એવી શક્યતા છે. NIAના મોસ્ટ વોન્ટેડ પ્રો-ખાલિસ્તાન ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનાકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેની હત્યા કેનેડાના વિનીપેગમાં થઇ હતી. આશરે બે મહિના પહેલા ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ નિજ્જરની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી.
ભારતના NIA દ્વારા પણ જારી કરવામાં આવેલા 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની યાદીમાં સુખા સામેલ હતો. ખાલિસ્તાની આતંકવાદી અને ગેંગસ્ટર સુખા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વર્ષ 2017 માં ભારતના પંજાબમાંથી કેનેડા ભાગી ગયો હતો. તે પંજાબના મોગાનો વતની હતો.
કેનેડા જતા પહેલા તે મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. 2017માં તેણે પોલીસની મદદથી દસ્તાવેજો બનાવ્યા, ત્યારબાદ તેણે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું અને પછી કેનેડા ભાગી ગયો હતો તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડિંગ હતા. આ તમામ કેસ સ્થાનિક ગેંગની ગતિવિધિઓ સાથે સંબંધિત હતા. પંજાબ પોલીસ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ)એ જણાવ્યું હતું કે તેણે દવિન્દર બંબીહા અથવા ડીબી ગેંગને સમર્થન આપ્યું હતું અને ખાલિસ્તાન તરફી દળોમાં જોડાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 18 જૂને કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરેમાં ગુરુદ્વારાના પાર્કિંગ સ્પેસ પાસે બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ નિજ્જરને ગોળી મારી દીધી હતી. તેમની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું.
જે બાદ ભારત-કેનેડાના સંબંધો વધુ તંગ બન્યા હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યો છે કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ પાસે વિશ્વસનીય પુરાવા છે કે જૂનમાં સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિઝરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સંભવતઃ સામેલ હતા. જો કે, ભારતે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા.