દિલ્હી બનશે ખાલિસ્તાન, ભારતના ટુકડા થઈ જશે
આતંકવાદી પન્નુએ ભારત સામે ઝેર ઓક્યું
ટોરોન્ટો (કેનેડા) : શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ પન્નુ હંમેશાની જેમ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જયશંકરને પડકાર ફેંકી રહ્યો છે.
તેણે કહ્યું હતું કે 29 ઓક્ટોબરે સરેમાં ફરીથી ખાલિસ્તાન જનમત સંગ્રહ થઈ રહ્યો છે. જ્યાં અમારા સાથીની હત્યા કરવામાં આવી હતી, ત્યાં ફરીથી આઝાદીની લડાઈ શરૂ થશે. નોંધનીય છે કે પહેલા કેનેડાની એક શાળામાં ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો અને હવે તે સરેમાં પણ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે.
જેના કારણે આતંકવાદી પન્નુ અકળાઇ ગયો છે અને ખાનગી ગાર્ડની આડમાં કેનેડાના અલગ-અલગ શહેરોમાં ફરી રહ્યો છે. આટલું જ નહીં પંજાબ અને દિલ્હીને ખાલિસ્તાન બનાવવાની વાત કરનાર આતંકવાદી પન્નુ પોતે જ પોતાના સુરક્ષા ગાર્ડ શીખોની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યો છે, તેમનું અપમાન કરી રહ્યો છે. એટલું જ નહીં કેનેડામાં અરદાસમાં હાજરી આપતી વખતે પન્નુએ પોતાનું માથું તો ઢાંકેલું હતું, પરંતુ તેના સુરક્ષા ગાર્ડ્સને ખુલ્લા માથા સાથે અરદાસમાં હાજર રાખવામાં આવ્યા હતા.
પન્નુ 10 સપ્ટેમ્બરે કેનેડાના સરેના ગુરુદ્વારામાં જનમત લેવા માટે પહોંચ્યો હતો, જ્યાં તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું હતું કે અમે દિલ્હીને ખાલિસ્તાન બનાવીશું, ભારતના ટુકડા થઈ જશે. એટલું જ નહીં, આ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
નોંધનીય છે કે 2 જુલાઈના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપ નિજ્જરને બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિજ્જર આ ગુરુદ્વારાનો વડો પણ હતો. તે ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં પોતાની કારમાં હતો. આ દરમિયાન બે યુવકો મોટરસાઇકલ પર આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું અને તેનું ત્યાં જ મોત થયું હતું.