રાજ્યસભામાં ‘માનસિક સંતુલન’ મુદ્દે હોબાળો: ખડગે પર ટિપ્પણી બદલ નડ્ડાએ માફી માંગી

નવી દિલ્હી: સંસદમાં ઓપરેશન સિંદૂરની મહાચર્ચા મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભૂલ તમે કરો છો અને દોષ બીજા પર આપો છો.
તેમણે કહ્યું કે હું પૂછવા માંગુ છુ કે પહલગામમાં આતંકવાદીઓ આવ્યા ક્યાથી. તેમણે વિવિધ મંત્રાલયો સબંધિત પ્રશ્નો કર્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા ત્યાર બાદ રાજ્યસભાના ગૃહના નેતા જેપી નડ્ડાએ નિવેદન આપ્યું હતું.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…
માનસિક સંતુલન મુદ્દે ગૃહમાં હોબાળો
મલ્લિકાર્જુન ખડગે બાદ રાજ્યસભામાં જે.પી. નડ્ડાએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે ‘વિપક્ષના નેતાએ લાંબુ નિવેદન આપ્યું, પરંતુ તેમના કદ પ્રમાણે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, તે તેમના સ્તરના નહોતા. જે રીતે તેમણે વડા પ્રધાન પર ટિપ્પણી કરી.
હું તેમની તકલીફ સમજી શકું છું કે વડા પ્રધાનએ તેમને 11 વર્ષથી વિપક્ષમાં બેસાડી રાખ્યા છે. વડાપ્રધાન દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. આ આપણા માટે અને દેશ માટે ગૌરવનો વિષય છે. પરંતુ તમારી ચિંતા પાર્ટી માટે એટલી છે કે તેમાં દેશનો વિષય પણ ગૌણ બની જાય છે. તમે માનસિક સંતુલન ગુમાવીને આવી ટિપ્પણીઓ કરો છો.’
આપણ વાંચો: સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
જેપી નડ્ડાએ માફી માગી
ખડગેના નિવેદન બાદ સદનમાં હંગામો થઈ ગયો હતો અને કોંગ્રેસના સાંસદોએ ‘માનસિક સંતુલન ખરાબ થવા’ના શબ્દ પર સખત વાંધો ઉઠાવ્યો હતો. આના પર નડ્ડાએ આ શબ્દને કાર્યવાહીમાંથી હટાવવાની અપીલ કરી હતી. આના કારણે થોડી વાર માટે સદનની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
ખડગેએ નિવેદનને લઈને નડ્ડા પાસેથી માફીની માંગણી કરી હતી. જેના મુદ્દે જેપી નડ્ડાએ કહ્યું કે, ‘જો તમને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું, પરંતુ તમે પણ આવેશમાં એટલા વહી ગયા કે વડા પ્રધાનની ગરિમાનું પણ ધ્યાન રાખી શક્યા નહીં.’