વિકસિત ભારતમાં નાનાં શહેરોની મુખ્ય ભૂમિકા: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવામાં સેંકડો નાના શહેરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમની સરકાર જીવનની સરળતા સુધારવા માટે આવા શહેરી કેન્દ્રોમાં મૂળભૂત સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે.
ચાલુ વિકાસ ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર શહેરી પરિવારો માટે નાણાં બચાવવા માટે પ્રતિબદ્ધ છે, જેમણે આયુષ્માન ભારત આરોગ્ય વીમો અને બધા માટે આવાસ જેવી પહેલનો લાભ મેળવ્યો છે.
કેન્દ્રીય પહેલોના કવરેજને સુનિશ્ર્ચિત કરવા માટે સરકારની મેગા આઉટરીચ કવાયત, યાત્રાને લીલી ઝંડી આપતા મોદીએ કહ્યું હતું કે, ‘અમારો એજન્ડા લોકોને નાણાં બચાવવામાં મદદ કરવાનો છે.’ નોંધનીય છે કે આ યાત્રા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં શરૂ કરવામાં આવી હતી જ્યાં તે ગયા મહિને વિધાનસભા ચૂંટણી માટે લાગુ કરાયેલી આદર્શ આચારસંહિતાના કારણે શરૂ થઈ શકી ન હતી. આ યાત્રા ૧૫ નવેમ્બરના રોજ ઝારખંડના ખુંટી ખાતે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં હજારો ગામડાઓ અને ૧,૫૦૦ શહેરોમાંથી ૨.૫ કરોડ લોકો સુધી પહોંચી છે.
‘મારે એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે સરકારી યોજનાઓનો લાભ ગામડાઓમાં અને દરેક ઝૂંપડપટ્ટીમાં રહેતી દરેક ગરીબ વ્યક્તિ સુધી પહોંચે અને તેમને કોઈપણ મુશ્કેલી વિના લાભ મળે. આ જ કારણ છે કે ‘મોદી કી ગેરંટી’ની વાત ફરતી રહે છે,’ એમ વડા પ્રધાને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ૨૦૪૭માં જ્યારે ભારત સ્વતંત્રતા દિનની શતાબ્દી ઉજવશે ત્યારે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે શહેરો મોટી ભૂમિકા ભજવશે.
મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, આઝાદી પછી લાંબા સમય સુધી જે પણ વિકાસ થયો, તેનો વ્યાપ દેશના કેટલાક મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો હતો. પરંતુ આજે અમે ટિયર-૨
અને ટિયર-૩ શહેરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. દેશના સેંકડો નાના શહેરો વિકસિત ભારતની ભવ્ય ઇમારતને મજબૂત કરવા જઈ રહ્યા છે, એમ જણાવતા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ‘અમૃત મિશન’ અને ‘સ્માર્ટ સિટી મિશન’ જેવી પહેલ નાના શહેરોમાં મૂળભૂત સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે અને આ અપગ્રેડેશનની સીધી અસર જીવનની સરળતા, મુસાફરીની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા પર પડી રહી છે. ગરીબ, નવ-મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ કે અમીર લોકો, બધાને આ બધી સુવિધાઓનો લાભ મળી રહ્યો છે