ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં પણ એનડીએની અપેક્ષાઓ પર પાણી ફરવાથી હવે ભાજપમાં ઠેર ઠેર અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે અને જાહેર થઈ રહ્યો છે. ખાસ કરીને જે રાજ્યએ ભાજપને સૌથી વધુ સાંસદ આપી કેન્દ્રની ગાદી પર બેસવામાં મદદ કરી તે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જ ઉથલપાથલ જોવા મળી છે. યુપીમાં યોગી આદિત્યનાથની ખુરશી ખતરામાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. (UP political news) ગઈકાલે મોડી સાંજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદની બેઠક થયા બાદ કેશવે મીડિયા સામે તો કંઈ ન કહ્યું પણ પછીથી એક ટ્વીટ કરી ગરમાવો લાવી દીધો છે. આજે યોગીએ દિલ્હીમાં એક બેઠક પણ બોલાવી છે અને આ બધાની મજા લઈ રહેલા સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર ટોણો માર્યો છે.
કેશવ મૌર્ય અને યોગી વચ્ચે ખટરાગ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં દરરોજ નવી હેડલાઈન્સ જોવા મળી રહી છે. એક તરફ દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યુપીની 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. રાજ્યની દસ બેઠકો પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને સીએમ યોગીએ આજે એટલે કે બુધવારે મહત્વની બેઠક બોલાવી છે. 11 વાગ્યે યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી પોતાના મંત્રીઓ પાસેથી ચૂંટણીની તૈયારીઓને લઈને ફીડબેક લેશે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય મંગળવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ પાર્ટી પોતાની રણનીતિ પર કામ કરી રહી છે. બેઠક બાદ નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરથી બહાર નીકળતી વખતે કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. કેશવ મૌર્ય અને યોગી આદિત્યનાથના સંબંધોમાં ખટાશની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. યોગી પહેલીવાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ રેસમાં મૌર્ય પણ હતા. જોકે યોગાની હિન્દુવાદી ચહેરાએ તેમને આ પદ સુધી પહોંચાડ્યા હોવાનું કહેવાય છે.
કાર્યકર્તાઓની પીડા એ મારી પીડા
કેશવ પ્રસાદ મૌર્યએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઈશારામાં કેટલીક વાતો કહી. તેમણે કહ્યું કે, સરકાર કરતા સંગઠન મોટું છે, કાર્યકર્તાઓનું દર્દ મારું દર્દ છે, સંગઠનથી મોટું કોઈ નથી, કાર્યકર જ પક્ષનું ગૌરવ છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 80માંથી 33 બેઠક પર જીત મળતા પક્ષનું 400 પારનું સપનું તો રોળાયું, પણ એકલા હાથે ભાજપ સત્તા પણ સ્થાપી શક્યું ન હતું. આ સાથે રામ મંદિરના મુદ્દે લડતી ભાજપ અયોધ્યા (ફૈઝાબાદ) બેઠક પર જ હારી જતા વધારે સ્થિતિ વધારે શરમજનક બની હતી.
અખિલેશે મજા લીધી
સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભાજપમાં સર્જાયેલી આંતરિક ખેંચતાણની મજા લીધી છે અને ઝાટકી પણ છે. તેમણે કહ્યું કે ભાજપની ખુરશી માટેની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન અને પ્રશાસન બેક બર્નર પર મૂકાઈ ગયું છે. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ પહેલા અન્ય પક્ષોમાં કરતી હતી, તે જ કામ હવે પોતાની પાર્ટીમાં કરી રહી છે, જેના કારણે ભાજપ આંતરિક વિખવાદની દલદલમાં ધકેલાઈ રહ્યો છે. ભાજપમાં લોકોનું વિચારનાર કોઈ નથી.