loksabha સંગ્રામ 2024નેશનલ

‘કેસરિયા બાલમ..’ રાજવી પરિવારના એ ઉમેદવારો જેમણે રાજસ્થાનની ચૂંટણીમાં માર્યું મેદાન

રાજસ્થાનમાં શાનદાર રીતે ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. રાજસ્થાનની ચૂંટણીમાં આ વખતે રાજવી પરિવારના ઘણા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે ચાલો તેમના વિશે માહિતી મેળવીએ..

વસુંધરા રાજે સિંધિયા: ઝાલરાપાટન બેઠકથી 138831 મતોથી આગળ ચાલી રહ્યા છે. વસુંધરા રાજે સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારના છે. તેમના માતા સ્વ.વિજયારાજે સિંધિયા જનસંઘ અને અને ભાજપના અગ્રણી નેતા હતા. તેમના બહેન યશોધરા રાજે સિંધિયા મધ્યપ્રદેશમાં મંત્રીપદ મેળવી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના ભત્રીજા થાય છે. રાજસ્થાનમાં મુખ્યપ્રધાન પદના તેઓ પ્રબળ દાવેદાર છે અને રાજ્યમાં મુખ્યત્વે જાટ, રાજપૂત, ગુર્જર વોટબેંક પર વર્ચસ્વ ધરાવે છે. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ રાજપૂતોની પુત્રી, જાટોની વહુ અને ગુર્જરોની વેવાણ છે.

દિયાકુમારી: જયપુરના મહારાજા સવાઈ ભવાની સિંહના પુત્રી છે દિયાકુમારી. તેઓ સવાઇ વાઈ માધોપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેમણે જયપુરની વિદ્યાધરનગર બેઠકથી જીત મેળવી છે. તેમના દાદી ગાયત્રીદેવી પણ 2 વખત સાંસદ રહી ચુક્યા છે. રસપ્રદ બાબત એ છે કે દિયા કુમારીના પિતા બ્રિગેડિયર ભવાનીસિંહજીએ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. દિયાકુમારી પીએમ મોદીના નજીકના ગણાય છે.

સિદ્ધિકુમારી: બીકાનેર પૂર્વ બેઠકથી તેઓ 88 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. તેઓ રાજસ્થાનના મહારાજા સ્વ.કરણી સિંહ બહાદુરના પૌત્રી છે અને બિકાનેરની રાજકુમારી છે. તેઓ સતત 3 વખતથી બીકાનેરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. અને હવે ફરીવાર બીકાનેરથી તેઓ જીત મેળવી રહ્યા છે.

વિશ્વરાજસિંહ મેવાડ: મહારાણા પ્રતાપના વંશજ અને પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા વિશ્વરાજ સિંહ મેવાડે નાથદ્વારા બેઠક ફતેહ કરી લીધી છે. ઉદયપુરનો રાજપરિવાર 25 વર્ષ બાદ મેદાનમાં ઉતરતા બધાની નજર રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની નાથદ્વારા બેઠક પર હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશી અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. જો કે 90000થી પણ વધુ મતો મેળવીને નાથદ્વારા પર વિશ્વરાજસિંહ મેવાડે વિજયપતાકા લહેરાવી દીધી છે.

કલ્પના દેવી: કોચિંગ હબ તરીકે ઓળખાતા કોટાના પૂર્વ શાહી પરિવારના સભ્ય કલ્પના દેવી લાડપુરાથી વર્તમાન ધારાસભ્ય છે અને ફરી એકવાર તે જ બેઠક માટે મેદાનમાં છે. તેઓ કોટાના રાણી તરીકે જાણીતા છે. રસપ્રદ વાત એ છે કે તેમના પતિ ઇસરાજસિંહ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. અને સાંસદ પણ રહી ચુક્યા છે. કલ્પના દેવી 121248 મતોથી આગળ ચાલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button