નેશનલ

કોચી નજીક દરિયામાં મોટી દુર્ઘટના ટળી, દુર્ઘટના ગ્રસ્ત જહાજમાંથી 24 લોકોને બચાવી લેવાયા

કોચી: કેરળમાં દરિયા પાસે એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં લાઇબેરિયન કાર્ગો જહાજ અચાનક કિનારાથી લગભગ 38 નોટિકલ માઇલ દૂર નમી પડ્યું હતું. જેના લીધે જહાજ પર ભરેલા ઘણા કન્ટેનર દરિયામાં પડી ગયા હતા. જોકે, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી. આ જહાજમાં સવાર તમામ 24 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આમાંથી 21 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 03ને આઈએનએસ સુજાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

બીજું જહાજ મદદ માટે આ વિસ્તારમાં પહોંચી ગયું છે

ડિફેન્સ જનસંપર્ક અધિકારીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે , આઈએનએસ સુજાતાની મદદથી જહાજના ત્રણ ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક વધુ કન્ટેનર પાણીમાં પડી ગયા છે અને જહાજ પાણીમાં વધુ ડૂબી ગયું છે. આ ઘટનાને કારણે પર્યાવરણને નુકસાન થવાનું જોખમ વધી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજને ખેંચવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જહાજની માલિકીની કંપનીનું બીજું જહાજ મદદ માટે આ વિસ્તારમાં પહોંચી ગયું છે.

24 ક્રૂ સભ્યોમાંથી 21 ને બચાવી લેવામાં આવ્યા

ડિફેન્સ જનસંપર્ક અધિકારીએ કહ્યું હતું કે જહાજ પર સવાર 24 ક્રૂ સભ્યોમાંથી 21 ને બચાવી લેવામાં આવ્યા છે. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એ લોકોને અપીલ કરી છે કે તેઓ કિનારા પર કોઇપણ કન્ટેનર અથવા ઓઇલને સ્પર્શ ન કરે અનેતાત્કાલિક પોલીસને જાણ કરે.

આપણ વાંચો:  પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂર, સિંહની વસ્તી ગણતરીનો કર્યો ઉલ્લેખ; વાંચો બીજું શું કહ્યું

જહાજ શુક્રવારે વિઝિયાગામ બંદરથી કોચી જવા રવાના થયું હતું

ઉલ્લેખનીય છે કે, MSC ELSA-3 જહાજ શુક્રવારે વિઝિયાગામ બંદરથી કોચી જવા રવાના થયું હતું. શનિવારે બપોરે 1.25 વાગ્યે જહાજની માલિકીની કંપનીએ ભારતીય અધિકારીઓને જાણ કરી કે તેનું જહાજ 26 ડિગ્રી નમેલું છે. તેમણે તાત્કાલિક મદદ માંગી હતી. જહાજ પરના 24 સભ્યોના ક્રૂમાં એક રશિયન કેપ્ટન, 20 ફિલિપિનો, બે યુક્રેનિયન અને એક જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ થાય છે. કોસ્ટ ગાર્ડે પુષ્ટિ કરી છે કે જહાજ મરીન ગેસ ઓઇલ અને ખૂબ જ ઓછા સલ્ફર ફ્યુઅલ ઓઇલ વહન કરી રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button