કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 9 અને 11 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે, 13 ડિસેમ્બરે પરિણામ…

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 9 અને 11 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. આ અંગે કેરળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી. જેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, અલાપ્પુઝા, ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં મતદાન 9 ડિસેમ્બરે યોજાશે. તેમજ ત્રિશુર, પલક્કડ, મલપ્પુરમ, વાયનાડ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાના મતદારો 11 ડિસેમ્બરે મતદાન યોજાશે.
1200 સ્થાનિક સંસ્થાઓમાંથી 1119માં ચૂંટણી યોજાશે
આ અંગે રાજ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કેરળમાં 1200 સ્થાનિક સંસ્થાઓમાંથી 1119 માં ચૂંટણી યોજાશે. જયારે 941 ગ્રામ પંચાયતોમાં 17,337 વોર્ડ, 152 બ્લોક પંચાયતોમાં 2267 વોર્ડ, 14 જિલ્લા પંચાયતોમાં 346 વોર્ડ, 86 નગરપાલિકાઓમાં 3205 વોર્ડ અને છ કોર્પોરેશનોમાં 421 વોર્ડ માટે ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે અને મતગણતરી 13 ડિસેમ્બરે થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. તેમજ ઉમેદવારીપત્રોની ચકાસણી 22 નવેમ્બરે થશે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર છે.
વોર્ડ સીમાંકન બાદ મતદાર યાદીમાં બે વાર સુધારો
તેમણે જણાવ્યું હતું કે સીમાંકન પ્રક્રિયા દ્વારા રાજ્યભરની 1,200 સ્થાનિક સંસ્થાઓમાં વોર્ડની સંખ્યા 21,900 થી વધીને 23,612 થઈ ગઈ છે. નવી વોર્ડ સીમાંકન બાદ ઓગસ્ટ અને ઓક્ટોબર 2025 માં મતદાર યાદીમાં બે વાર સુધારો કરવામાં આવ્યો હતો. તેમજ 25 ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલી અંતિમ મતદાર યાદીમાં કુલ 28,430,761 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 13,412,470 પુરુષો, 15,018,010 મહિલાઓ અને 281 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં
બિન-નિવાસી ભારતીયો માટે એક અલગ મતદાર યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં કુલ 2,841 મતદારોનો સમાવેશ થાય છે, જેમાં 2,484 પુરુષો અને 357 મહિલાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી કમિશનરે જણાવ્યું કે પૂરક મતદાર યાદીઓ 14 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે અને માન્ય રાજકીય પક્ષોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી પંચે રાજ્યભરમાં 33,746 મતદાન મથકોની વ્યવસ્થા કરી છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી છે


