કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, Live In Relationship માં પુરુષને પતિ ગણી શકાય નહિ

કોચીઃ કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને(Live In Relationship) લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 498-A મહિલા પર તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા માટે સજાની જોગવાઈ કરે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા બે લોકો પરણિત ન હોવાથી તે પુરુષ પતિ શબ્દના દાયરામાં નહીં આવે.
હાઈકોર્ટે શું કહ્યું?
ચુકાદો આપતા, જસ્ટિસ એ બદરુદ્દીને 8મી જુલાઈના રોજના તેમના આદેશમાં જણાવ્યું હતું કે, “આ રીતે, લગ્ન એ એક તત્વ છે જે સ્ત્રીના જીવનસાથીને તેના પતિના દરજ્જા સુધી પહોંચાડે છે. કાયદાની નજરમાં લગ્ન એટલે લગ્ન. આમ, કાયદેસર લગ્ન વિના, જો કોઈ પુરુષ સ્ત્રીનો જીવનસાથી બને છે, તો તે IPCની કલમ 498Aના હેતુ માટે ‘પતિ’ શબ્દના દાયરામાં રહેશે નહીં.”
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર કેસમાં આ આદેશ એક વ્યક્તિની અરજી પર આવ્યો હતો. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ તેની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમની સામેના કેસને રદ કરવાની માંગ કરતા વ્યક્તિએ દલીલ કરી હતી કે તે ફરિયાદી મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો અને તેમની વચ્ચે કોઈ કાનૂની લગ્ન નથી.તેથી ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ગુનો નોંધાયો નથી. હાઈકોર્ટે અરજદાર સાથે સંમત થયા અને કહ્યું કે તેણે મહિલા સાથે લગ્ન કર્યા ન હોવાથી, તે ભારતીય દંડ સંહિતાની કલમ 498A માં આપવામાં આવેલી પતિની વ્યાખ્યાના દાયરામાં નહીં આવે.