Kerala: 15 PFI કાર્યકરોને મૃત્યુદંડની સજા સંભળાવનાર ન્યાયાધીશને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી; એકની ધરપકડ
કેરળમાં બીજેપી ઓબીસી વિંગના નેતા રણજિત શ્રીનિવાસનની હત્યા કેસમાં ચુકાદો સંભળાવનાર જજને ધમકીઓ મળવા લાગી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માવેલીક્કારાના એડિશનલ સેશન્સ જજને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ મામલામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને બે લોકો કસ્ટડીમાં છે.
કેરળ પોલીસે બુધવારે માવેલીકારા એડિશનલ સેશન જજ વીજી શ્રીદેવીને આપવામાં આવેલી ઓનલાઈન ધમકીઓની ગંભીરતાથી નોંધ લેતા તેમની સુરક્ષા વધારી દીધી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને બે લોકો કસ્ટડીમાં છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ હોવાથી ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.
2021માં અલપ્પુઝા જિલ્લામાં બીજેપી ઓબીસી પાંખના નેતાની હત્યામાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા 15 લોકોને કોર્ટે મંગળવારે ફાંસીની સજા સંભળાવી હતી. ચુકાદો આપતાની સાથે જ ન્યાયાધીશનું અપમાન કરતી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર થવા લાગી હતી.
આદેશમાં કોર્ટે કહ્યું કે આ મામલામાં તમામ આરોપીઓને ફાંસીની સજા આપવા સંપૂર્ણ પુરાવા છે. વકીલ અને BJP OBC મોરચાના રાજ્ય સચિવ શ્રીનિવાસન પર 19 ડિસેમ્બર 2021ના રોજ તેમના પરિવારની સામે PFI અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા કાર્યકરો દ્વારા તેમના ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.
SDPI નેતા કેએસ શાનની હત્યાના બદલામાં શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. શાન હત્યા કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી.