ભારતના આ રાજ્યમાં બને છે ઈઝરાયલી પોલીસના યુનિફોર્મ પણ…
હાલમાં આખું વિશ્વ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગની ચર્ચા કરી રહ્યું છે. જેમાં ઈઝરાયલ પોલીસ અને સૈન્યની બહાદુરીની ચર્ચાઓ પણ થાય છે. પણ શું તમે જાણો છો ઈઝરાયલ પોલીસ અને ભારતના એક રાજ્યને સીધો સંબંધ છે. હા, પર્યટનમાં અવ્વલ એવું આપણું કેરળ ઈઝરાયલ પોલીસના યુનિફર્મ બનાવે છે.
જીહા, મળતી માહિતી અનુસાર 2015થી કેરળની એક કંપની ઈઝરાયલી પોલીસના યુનિફોર્મ તૈયાર કરી રહી છે. જોકે હાલમાં કંપનીએ નક્કી કર્યું છે કે જ્યાં યુદ્ધ બંધ નહીં થાય અને શાંતિ નહીં સ્થપાઈ ત્યાં સુધી તેઓ નવો ઓર્ડર લેશે નહીં.
કેરળના કન્નૂરમાં કુથુપરંબા ખાતે આવેલી પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે છેલ્લે 2015થી ઈઝરાયલી પોલીસ માટે યુનિફોર્મ બનાવી રહ્યા છીએ. તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ, હોસ્પિટલ પર બોમ્બમારો અને હજારો લોકોના મૃત્યુને પગલે અમે એક નૈતિક નિર્ણય લીધો છે. કંપનીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી યુદ્ધનો અંત ન આવી જાય અને શાંતિ સ્થાપિત ન થઈ જાય ત્યાં સુધી ઈઝરાયલી પોલીસ માટે કોઈ યુનિફોર્મ તૈયાર કરવાના નથી.