Save Federalism: કેરળ સરકારે દિલ્હીમાં ‘સેવ ફેડરાલીઝ્મ’ પ્રદર્શન કર્યું, કેજરીવાલ અને ફારુક અબ્દુલ્લાહ પણ રહ્યા હાજર
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટમાં ફંડની ફાળવણી અંગે નારાજ દક્ષિણ ભારતના રાજ્યોની સરકારોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કર્ણાટક સરકાર બાદ કેરળ સરકારે પણ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળના મુખ્ય પ્રધાન અને તેમના કેબિનેટના પ્રધાનો, કેટલાક LDF વિધાન સભ્યો અને સાંસદોએ ‘સેવ ફેડરાલીઝ્મ’ ચળવળ શરુ કરી હતી. વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોને અન્યાય કરવાના મોદી સરકારના કથિત વલણ સામે ગુરુવારે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સભાને સંબોધિત કરતા કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો હેતુ બંધારણમાં સમાવિષ્ટ સંઘવાદના વિચાર અને ભારતીય લોકશાહીની રક્ષા કરવાનો છે, બંધારણમાં ભારતને રાજ્યોના સંઘ તરીકે વર્ણવામાં આવ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે રાજ્યો પરના સંઘ વધુ શક્તિ શાળી બની રહ્યું છે. અમે બધા આની સામે અમારો મજબૂત વિરોધ નોંધાવવા અને ભારતના સંઘીય માળખાને બચાવવા માટે સાથે આવ્યા છીએ.
UDF તેમજ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ, વિરોધ પ્રદર્શન માટે આમંત્રણ અપાયું હોવા છતાં હાજર થયા ન હતા. જો કે, જંતર-મંતર વિરોધ પ્રદર્શનમાં ભાગ INDIA બ્લોકના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે સભાને સંબોધતા કહ્યું, “વિરોધી પક્ષોની આગેવાની હેઠળની સરકારો દેશના 70 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે વિપક્ષ શાસિત રાજ્યો સામે યુદ્ધ છેડ્યું છે.
તેઓએ અમારી સાથે ભારત-પાકિસ્તાનની સ્થિતિ ઊભી કરી રહ્યા છે. કેન્દ્ર વિપક્ષી સરકારોને હેરાન કરવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે.” CPM ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ વડાપ્રધાનના આરોપને રદિયો આપ્યો હતો તેમણે કહ્યું કે, “વડા પ્રધાને કહી રહ્યા છે કે વિપક્ષ ઉત્તર-દક્ષિણ ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વડા પ્રધાને ભારતની ભૂગોળને સમજવાની જરૂર છે. મિસ્ટર કેજરીવાલ દક્ષિણથી નથી, મિસ્ટર માનથી દક્ષિણ નથી, કાશ્મીરથી મિસ્ટર ફારુક અબ્દુલ્લા દક્ષિણથી નથી. કદાચ વડા પ્રધાન ભારતની ભૂગોળ વિશે જાણતા નથી. આ ઉત્તર-દક્ષિણની લડાઈ નથી, આ લડાઈ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો માટે છે. ભારતનું બંધારણ જ કહે છે કે ભારત રાજ્યોનો સંઘ છે. રાજ્યો વિના, કોઈ સંઘ ના હોઈ શકે. વડાપ્રધાન મોદીના કહેવા મુજબ, તમારી પાસે હવે માત્ર એક સંઘ હશે અને હવે કોઈ રાજ્ય નહી હોય.” બુધવારે, કેન્દ્ર સામે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની આગેવાની હેઠળ જંતરમંતર પર આવા પ્રકારનું જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.