કેરળના રાજ્યપાલને Z+ સુરક્ષા આપવામાં આવી, CM આરાજકતાને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ
શનિવારે કેરળના કોલ્લમ જિલ્લામાં રાજ્યપાલ અને સત્તારૂઢ માર્કસવાદી કામ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI(M))ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓળ ઇન્ડિયા(SFI)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રસ્તાની બાજુમાં આવેલી દુકાનની સામે ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે SFIના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. હવે તેમણે Z+ સિક્યોરિટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘર્ષણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળ રાજભવનને જાણ કરી કે રાજ્યપાલને CRPFની Z+ સુરક્ષા આપવામાં આવશે.
કોલ્લમના નીલામેલ ખાતે રાજ્યપાલ એક કલાકથી વધુ સમય માટે ધરણા પર બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે “મુખ્ય પ્રધાન (પિનરાઈ વિજયન) રાજ્યમાં અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ગેરરીતિને સ્વીકારવામાં નહીં આવે. મુખ્ય પ્રધાન જ આવા લોકોને સુરક્ષા આપી રહ્યા છે. આ લોકો માત્ર મુખ્ય પ્રધાનના દાળિયા છે. આ ઘટના માટે મુખ્યપ્રધાન જવાબદાર છે.”
પોલીસે 17 SFI કાર્યકર્તાઓ સામે કેસ નોંધ્યો અને પછી અને FIRમાં બિન-જામીનપાત્ર કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે વાંચ્યા પછી જ રાજ્યપાલે ધરણા ખતમ કર્યા હતા. રાજ્યપાલ યુનિવર્સિટી સેનેટમાં “સંઘ પરિવારના માણસો”ની ગેરકાયદેસર રીતે નિમણુક કરી રહ્યા હોવાના આરોપ સર SFI રાજ્યપાલ સામે આંદોલન કરી રહી છે.
આજે રાજ્યપાલ કોલ્લમ જિલ્લાના એક આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે SFI કાર્યકર્તાઓના એક જૂથે તેમની સામે વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાળા ઝંડા બતાવ્યા હતા.
રાજ્યપાલના કાફલાની રાહ જોઈ રહેલા કેટલાક ઝંડા લઈને તેમની કારની સામે કૂદી પડ્યા. રાજ્યપાલે તરત જ કાર રોકી હતી. રાજ્યપાલે મીડિયાને કહ્યું, “જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ મારી કારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. મેં પહેલેથી જ કહ્યું હતું કે જો દૂરથી કાળા ઝંડા બતાવવામાં આવે તો મને કોઈ વાંધો નથી. પણ જો કોઈ મારી કાર પાસે આવશે તો હું નીચે ઉતરી જઈશ. પોલીસનું કહેવું છે કે ત્યાં 17 લોકો હતા અને તમે આ ક્ષણે અહીં હાજર પોલીસકર્મીઓની સંખ્યા ગણી શકો છો. મારો એક જ સવાલ છે કે જો મુખ્ય પ્રધાન આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય તો શું પોલીસ પ્રદર્શનકારીઓને કારને ટક્કર મારવા દેશે?”
તેમણે કહ્યું કે “હું પોલીસને દોષ નથી આપતો. પોલીસ ઉપરી અધિકારીઓના આદેશો મુજબ ચાલે છે. રાજ્યના મુખ્યપ્રધાન રાજ્યમાં આરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ કાયદો તોડનારાઓને રક્ષણ આપવા માટે પોલીસને મુખ્ય પ્રધાન નિર્દેશ જ આપી રહ્યા છે. તેમાંથી ઘણા સામે અનેક ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. પોલીસનો વાંક નથી.”
રાજ્યપાલે કહ્યું કે વિરોધમાં 50 થી વધુ લોકો સામેલ હતા પરંતુ એફઆઈઆર ફક્ત 17 લોકો સામે જ નોંધવામાં આવી હતી. ગયા મહિને, જ્યારે SFI ના કાર્યકર્તાઓએ તિરુવનંતપુરમમાં કાળા ધ્વજ બતાવ્યા હતા, ત્યારે રાજ્યપાલ તેમની કારમાંથી બહાર આવી ગયા હતા અને વિરોધીઓ તરફ જઈને અને કહ્યું હતું કે, ” ગુનેગારો, હિમ્મત હોય તો અહિયાં આવો!”.
ગયા અઠવાડિયે, સરકાર સાથેના રાજ્યપાલના ઘર્ષણને કારણે તેમણે રાજ્ય વિધાનસભામાં તેમના નીતિગત સંબોધનને માત્ર 80 સેકન્ડમાં ટૂંકાવી નાખ્યું હતું. સંબોધન બાદ હોબાળો થતા તેઓ ગૃહમાંથી નીકળી ગયા હતા.