મુશ્કેલીમાં બાબા રામદેવ, કેરળ કોર્ટે જારી કર્યુ વોરંટ
થિરુવનંથપુરમઃ ભ્રામક જાહેરાતોના કેસમાં કેરળની એક અદાલતે યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ સામે જામીપાત્ર વોરંટ જારી કર્યું છે. કેરળના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ પલક્કડના એક ડ્રગ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ડ્રગ ઇન્સ્પેક્ટરે દાવો કર્યો હતો કે બાબાની કંપનીએ એવી ભ્રામક જાહેરાત કરી હતી કે તેમના ઉત્પાદનો ડાયાબિટીસ અને કોવિડ જેવી પરિસ્થિતિનો ઉપચાર કરી શકે છે. તેમની ફરિયાદના આધારે ડ્રગ્સ એન્ડ મિરેકલ રેમિડિઝ (વાંધાજનક જાહેરાત) અધિનિયમ, 1954ની કલમ 3(D) અને કલમ 7 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટ તરફથી આ મામલે બાબા રામદેવ અને બાલકૃષ્ણ તેમ જ દિવ્યા ફાર્મસીને સમન્સ બજવણી કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી મહિનામાં કેસની સુનાવણી દરમિયાન કોઇ પણ હાજર થયું નહોતું, જેના કારણે કોર્ટે વોરંટ જારી કર્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે પહેલી ફેબ્રુઆરીના રોજ થશે.
Also read: સુપ્રીમ કોર્ટ સામે દરદીઓની પરેડ કરવા તૈયાર છે રામદેવ બાબા
જોકે, આ પહેલી વાર નથી, જ્યારે બાબા રામદેવ સામે તેમના દાવાઓ, દવાઓ અને જાહેરાત સામે કાર્યવાહી કરવામાં આવી હોય. બાબા અને તેમની ટીમ સામે કોઝિકોડે અને ઉત્તરાખંડમાં પણ આવા જ કેસ ચાલી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન તેમણે કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી, જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ નારાજ થયું હતું. પતંજલિ પર કાયદાનો ભંગ કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવતી પતંજલિની જાહેરાતોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના નિર્દેશોનું પાલન ના કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. પતંજલિએ આયુર્વેદ અને કુદરતી ઉપચારો પ્રત્યેના ભારતીયોના લગાવને જોઇને તેમની આયુર્વેદિક દવાઓ રજૂ કરી સફળતાપૂર્વક બજારનો જંગી હિસ્સો કબજે કર્યો છે, પણ હવે તેઓ કાનૂની સમસ્યામાં ફસાયા છે. તેમના અનેક દાવાઓ ગેરમાર્ગે દોરનારા છે.