કેરળવાસીઓએ જામ છલકાવ્યા, માત્ર ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનો દારૂ પીધો….
તિરુવનંતપુરમ: ભારતમાં તહેવારોની શરૂઆત હંમેશા ખૂબજ જોરશોરથી થતી હોય છે. પછી કે કોઈપણ તહેવાર હોય લોકો બજારમાં ખરીદી કરવા ઊમટી પડે છે. ક્રિસમસ પર પણ લોકો બજારમાં જ જોવા મળ્યા પરંતુ તે કંઈ ખરીદવા માટે નહી પરંતુ પીવા માટે. દક્ષિણના રાજ્ય કેરળમાં લોકોએ નાતાલના દિવસે ઘણા મોટા પ્રમાણમાં દારૂની ખરીદી કરી હતી. ત્યાં સુધી કે કેરળના લોકોએ આ વર્ષની ક્રિસમસ પર દારૂ પીવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
કેરળ સ્ટેટ બેવરેજિસ કોર્પોરેશન (બેવકો)એ જણાવ્યું હતું કે તેણે છેલ્લા બે કે ત્રણ દિવસમાં દારૂના વેચાણના પાછલા તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. કેરળમાં માત્ર ત્રણ દિવસમાં રૂ. 154.77 કરોડનો દારૂ વેચાયો હતો.
ફક્ત નાતાલના આગલા દિવસે કેરળમાં રૂ. 70.73 કરોડનો દારૂ વેચાયો હતો, જે ગયા વર્ષ કરતા રૂ. 69.55 કરોડ ઘણો વધારે છે. ક્રિસમસના આગલા દિવસોમાં ખાસ કરીને 22 અને 23 ડિસેમ્બરના રોજ રૂ. 84.04 કરોડના દારૂનું વેચાણ થયું હતું, જ્યારે 2022માં આજ સમયે રૂ. 75.41 કરોડના દારૂનું વેચાણ થયું હતું. દારૂના વેચાણમાં ત્રિશૂર જિલ્લો ટોચ પર છે. ક્રિસમસ સીઝન દરમિયાન સૌથી વધુ દારૂનું વેચાણ અહી થયું હતું. ત્યારબાદ કોટ્ટાયમ જિલ્લો બીજા ક્રમે છે. આ ઉપરાંત ચાંગણસેરી જિલ્લામાં પણ રેકોર્ડ બ્રેક દારૂનું વેચાણ થયું હતું.
કેરળમાં આ વર્ષે ફક્ત ક્રિસમસ પર જ નહિ પરંતુ ઓણમ પર પણ ઘણો દારૂ વેચાયો હતો. કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન (બેવકો)એ જણાવ્યું હતું કે 21 ઓગસ્ટથી શરૂ થયેલા 10-દિવસીય ઓણમ તહેવાર દરમિયાન કેરળમાં 759 કરોડ રૂપિયાનો દારૂ વેચાચો હતો. જ્યારે 2022માં ઓણમ દરમિયાન તે 700 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.