Top Newsનેશનલ

ભાજપના અખબારમાં મુસ્લિમ લીગના ગુણગાન! સવારે અખબાર વાંચીને લોકો ચોંક્યા

તિરુવનંતપુરમ: કેરળમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ભાજપ સમર્થક અખબાર જન્મભૂમિમાં મુસ્લિમ લીગના નેતાનું તંત્રી પાનું છપાઈ ગયું હતું, જેને જોઇને વાચકો પણ ચોંકી ઉઠયા હતા. આ ભૂલ હાલ તો રાજનીતિમાં ચર્ચાનું અને હાસ્યનું કેન્દ્ર બની છે.

મળતી વિગતો અનુસાર, ઉત્તર કેરળના બે જિલ્લાઓ કોઝીકોડ અને કન્નુરમાં “જન્મભૂમિ” નું એડિટોરિયલ પેજ આખેઆખું બદલાઈ ગયું હતું. પૃષ્ઠ પરનો મુખ્ય લેખ મુસ્લિમ લીગ કેરળના વડા સૈયદ સાદિકલી શિહાબ થંગલનો હતો, જેમાં તેમણે વર્ષ 2025 ની સમીક્ષા કરી હતી. અન્ય અગ્રણી મુસ્લિમ લીગ નેતાઓ, એમ.કે. મુનીર અને મોહમ્મદ શાહના લેખો પણ તે જ પેજ પર જોવા મળ્યા હતા. વળી આટલું જ નહિ પણ જે તંત્રી લેખ છપાયો હતો તે પણ મુસ્લિમ લીગના મુખપત્ર, “ચંદ્રિકા” માંથી જ હતો, જે તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં LDF ના વિઘટન પર કેન્દ્રિત હતો.

મીડિયા અહેવાલ અનુસાર, આ કોઈ જાણી જોઇને કરવામાં આવેલી રાજકીય ચાલ ન હતી, પરંતુ એક તકનીકી અને માનવીય ભૂલ હતી. ‘જન્મભૂમિ’ અને ‘ચંદ્રિકા’ સહિત અનેક સમાચાર પત્રોની ‘પ્લેટ્સ’ એક જ પ્રાઈવેટ સેન્ટર પર તૈયાર કરવામાં આવે છે. છાપકામની પ્રક્રિયા દરમિયાન ભૂલથી ‘ચંદ્રિકા’નું તંત્રી પાનું ‘જન્મભૂમિ’ના પ્રિન્ટિંગ સેક્શનમાં જતું રહ્યું, જેના કારણે હજારો નકલો મુસ્લિમ લીગના કન્ટેન્ટ સાથે છપાઈ ગઈ.

આ ઘટના બાદ હરીફ પક્ષો, ખાસ કરીને CPI-Mને કટાક્ષ કરવાની તક મળી ગઈ. CPI-M નેતાઓએ સોશિયલ મીડિયા પર આ છબરડાની મજા લેતા તેને ભાજપ અને મુસ્લિમ લીગનું ગુપ્ત ગઠબંધન ગણાવ્યું હતું. રાજકીય વર્તુળોમાં એ ચર્ચાનો વિષય બન્યો કે જે અખબારમાં દક્ષિણપંથી વિચારધારાના લેખો હોવા જોઈતા હતા, ત્યાં અચાનક કટ્ટર વિરોધી પક્ષના નેતાઓના વિચારો કેવી રીતે ચમકી રહ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button