કેરળના ભાજપ સાસંદે ઇન્દિરા ગાંધીને ભારત માતા કહ્યા

કેરળની થ્રિસુર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્ર સરકારમાં પર્યટન અને પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ અને કોંગ્રેસના નેતા અને કેરળના મુખ્ય પ્રધાન સ્વર્ગીય કે. કરુણાકરનને ‘હિંમતવાન પ્રશાસક’ તરીકે ગણાવ્યા છે. ભાજપ નેતાએ કરુણાકરણ અને માર્ક્સવાદી દિગ્ગજ ઈકે નયનરને તેમના ‘રાજકીય ગુરુ’ ગણાવ્યા હતા. ગોપીએ પંકુન્નમ સ્થિત કરુણાકરણના સ્મારક ‘મુરલી મંદિરમ’ની મુલાકાત લીધીહતી અને ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરી હતી.
સુરેશ ગોપીએ કે. કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે. મુરલીધરનની આશાઓ પર પાણી ફેરવ્યું છે. તેઓ થ્રિસુર લોકસભા મતવિસ્તારમાંથી જીત્યા છે. થ્રિસુર સીટ પર ત્રિકોણીય જંગમાં મુરલીધરન ત્રીજા ક્રમે રહ્યા હતા. સુરેશ ગોપીએ મીડિયાને વિનંતી કરી હતી કે તેઓ કરુણાકરણના સ્મારકની તેમની મુલાકાતને રાજકારણ સાથે ન જોડે. ભાજપ નેતાએ એમ પણ કહ્યું હતું કે તેઓ અહીં તેમના ‘ગુરુ’ને માન આપવા આવ્યા છે.
આ પણ વાંચો : યુ.પી.માં પોલીસકર્મીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે! પ્રિયંકા અને અખિલેશે ભાજપ સરકારની ટીકા કરી
તેમણે કહ્યું હતું કે નયનર અને તેમની પત્ની શારદાની જેમ કરુણાકરણ અને તેની પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે પણ તેમના ગાઢ સંબંધો છે. સુરેશ ગોપી 12 જૂને કન્નુરમાં ઇકે નયનરના ઘરે ગયા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. ગોપીએ કહ્યું હતું કે તેઓ ઈન્દિરા ગાંધીને ‘ભારતથિંતે મથાવુ’ (ભારતની માતા) તરીકે જુએ છે અને કે. કરુણાકરનને ‘કેરળમાં કોંગ્રેસ પાર્ટીના જનક’ માને છે.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કે. કરુણાકરનને કોંગ્રેસના પિતા કહીને તેઓ આ દક્ષિણી રાજ્ય કેરળમાં પાર્ટીના સ્થાપકો કે સહ-સ્થાપકોનો અનાદર નથી કરી રહ્યા. સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓની પણ પ્રશંસા કરી અને તેમને તેમની પેઢીના ‘હિંમતવાન વહીવટકર્તા’ પણ ગણાવ્યા. તેમણે આગળ કહ્યું હતું કે, ‘હું 2019માં પણ મુરલી મંદિરમ જવા માંગતો હતો. પરંતુ કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને આમ કરતા અટકાવ્યા હતા. પદ્મજા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ છે.
સુરેશ ગોપીએ શહેરના પ્રખ્યાત લૂર્ડે માતા ચર્ચમાં જઈને પ્રાર્થના પણ કરી હતી. ગોપી અને તેમના પરિવારે તેમની પુત્રીના લગ્ન વખતે સેન્ટ મેરીની પ્રતિમાને સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. ગોપીના રાજકીય વિરોધીઓએ આ માટે તેમને નિશાન પણ બનાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તાજ સોનાનો નહીં પણ તાંબાનો હતો. સુરેશ ગોપીએ કેરળમાં થ્રિસુર લોકસભા સીટ જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું છે. થ્રિસુરમાં ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસ, ભાજપ અને સીપીઆઈના ઉમેદવારો વચ્ચે ગાઢ હરીફાઈ હતી.