કેજરીવાલની મુશ્કેલી વધી શકેઃ ‘શીશ મહેલ’માં વપરાયેલા નાણાંની તપાસ કરશે સરકાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રી પરવેશ વર્માએ જણાવ્યું હતું કે ‘શીશ મહેલ’ વિવાદની તપાસ શરૂ કરવામાં આવશે, જેથી જાણી શકાશે કે પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન પાછળ કેટલા સરકારી નાણાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ‘6, ફ્લેગસ્ટાફ રોડ’ પરનો બંગલાને ભાજપ “શીશ મહેલ” કહે છે. જેનો ઉપયોગ કેજરીવાલ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે કરતા હતા.
આ મહિનાની શરૂઆતમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) ને સત્તા પરથી હટાવનારા ભાજપે કેજરીવાલ પર બંગલામાં “લક્ઝરી સુવિધાઓ” માટે સરકારી નાણાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વર્માએ કહ્યું હતું કે ‘આપ’ સરકાર હેઠળ ત્રણ વર્ષ પહેલાં બનેલા ભવ્ય મુખ્યપ્રધાન કાર્યાલયની તપાસ કરવામાં આવશે જેથી એ જાણી શકાય કે તેના રિનોવેશન પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને કયા આધાર પર અધિકારીઓએ આ પ્રકારના ખર્ચને મંજૂરી આપી હતી.”
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવનારા વર્માએ કહ્યું હતું કે 6 ફ્લેગસ્ટાફ રોડ પર મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન, જેને ભાજપ ‘શીશ મહેલ’ કહે છે, તેની પણ તપાસ કરવામાં આવશે કે જેથી એ જાણી શકાશે કે અગાઉની સરકારે તેના રિનોવેશન માટે કેટલા પૈસા ફાળવ્યા હતા.” વર્મા જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યૂડી) મંત્રી પણ છે. તેમણે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિફેન્સ કોલોનીમાં ચાલી રહેલા માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો…દિલ્હી વિધાનસભા સત્રમાં ધમાલ અને ધરણાઃ સસ્પેન્ડેડ ધારાસભ્યોને રોકતા ‘ધરણા’ કર્યા
આ મુલાકાત દરમિયાન તેમણે ક્ષતિગ્રસ્ત કલ્વર્ટની સમીક્ષા કરી હતી જેનું છેલ્લા બે વર્ષથી સમારકામ ચાલી રહ્યું છે. સમારકામના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને આ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. તેમણે અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો અને રહેવાસીઓને ખાતરી આપી કે એપ્રિલ સુધીમાં સમારકામનું કામ શરૂ થઈ જશે.
આ રસ્તાના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, “આ રસ્તો બારાપુલા સુધી જાય છે અને લોકો માટે એક મહત્વપૂર્ણ કોરિડોર છે. પાછલી સરકારની બેદરકારીને કારણે બારાપુલા પ્રોજેક્ટનો ખર્ચ તેની મૂળ મંજૂર રકમ કરતા બમણો થઈ ગયો છે.” તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અરવિંદ કેજરીવાલની ટીમના કોઈપણ મંત્રીએ કામનું નિરીક્ષણ કરવા માટે ‘સ્થળ’ની મુલાકાત લીધી નહોતી.