નેશનલ

I.N.D.I.Aમાં સીટ શેરિંગ પર કેજરીવાલનો અલગ રાગ

હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિપક્ષી પાર્ટીઓએ 2024 માટે ‘I.N.D.I.A’ નામથી ગઠબંધન કરી લીધું છે, હવે તૈયારીઓ ચાલી રહી છે. ‘I.N.D.I.A’ ગઠબંધનનો પ્રયાસ શક્ય તેટલી વહેલી તકે સીટ ફોર્મ્યુલા નક્કી કરવાનો છે અને એકસાથે મળીને ભાજપ સામે મેદાનમાં ઉતરવાનો છે. જો કે, ‘I.N.D.I.A’ ગઠબંધનનો ભાગ હોવા છતાં દેશમાં સતત વિસ્તરી રહેલી આમ આદમી પાર્ટીએ અલગ જ રાહ લીધો છે.

23 જૂનના રોજ પટનામાં વિપક્ષી ગઠબંધનનો પાયો નાખવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ દિવસોમાં મહાગઠબંધનમાં ખૂબ જ વિચિત્ર સ્થિતિ એવી બની ગઈ છે કે સામાન્ય ચૂંટણી માટે એકસાથે આવેલા પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાની તૈયારી કરી રહ્યા છે. આમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે, જેણે હવે હરિયાણામાં પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે આગામી હરિયાણા રાજ્યની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરીને પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પક્ષના વિસ્તરણ અને આગામી ચૂંટણી માટે પ્રચારને તેજ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી જાહેરાત કરવામાં આવી હતી કે AAP હવે હરિયાણાની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.


આ અંગે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, હરિયાણામાં ઘણી ઉર્જા છે અને અહીંના લોકો પરિવર્તન ઈચ્છે છે. અમે એકલા અને તમામ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડીશું.

હરિયાણા વિધાનસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે, પણ તે પહેલા આ વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે. અહીં પણ કેજરીવાલની પાર્ટીએ નોખો ચોકો માંડ્યો છે. તાજેતરમાં, આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. એટલું જ નહીં રાજસ્થાનમાં પણ કેજરીવાલ ચૂંટણીની ગેરંટી આપીને ફરી ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button