નેશનલ

Arvind Kejriwal ત્રીજી વખત ED સમન્સ પર હાજર નહીં થાય, AAPએ નોટિસને ગણાવી ગેરકાયદે

નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ઇડીના સમન્સ પર હાજર થતાં નથી. કેજરીવાલે ત્રીજા સમન્સ પર હાજર થવાની ના પાડી દીધી હતી. આપ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ તે ઇડીની આ નોટિસને ગેરકાયદે માને છે. આપ પાર્ટીનું કહેવું છે કે સરકાર કોઈપણ રીતે તેમને 2024માં આવનારી ચુંટણીનો પ્રચાર કરતા રોકવા માટે આ બધું કરી રહી છે. આ જ કારણ છે કે ચૂંટણી પહેલા જ તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંબંધિત એક કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બીજા સમન્સને નકારી કાઢ્યું હતું. ત્યારબાદ ઇડીએ તેમને 3 જાન્યુઆરીએ ત્રીજા સમન્સ પર હાજર થવા માટે પણ કહ્યું હતું. આવી સ્થિતિમાં, જો આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ જો આ 3 જાન્યુઆરીએ મોકલેલા ત્રીજી વખતના સમન્સ પર ED સમક્ષ હાજર નહીં થાય, તો ED પાસે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ સિવાય બીજો કોઈ રસ્તો રહેશે નહિ.

EDના સમન્સનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે તે રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર છે. આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું હતું કે તે પોતાનું જીવન પારદર્શિતા અને ઈમાનદારી સાથે જીવ્યા છે અને તેની પાસે છુપાવવા માટે કંઈ નથી. કેજરીવાલે કેસના તપાસ અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમની સામે જારી કરાયેલ વ્યક્તિગત હાજરી માટેની નોટિસ કાયદા અનુસાર નથી અને તેને પાછી ખેંચી લેવી જોઈએ.

ત્યારે એવી ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે કે સીએમ કેજરીવાલની પૂછપરછ બાદ તરત જ ધરપકડ કરવામાં આવી શકે છે. પરંતુ ખાસ બાબત એવપં છે કે કોઈ પણ વ્યક્તિએ ત્રીજા સમન્સ પર હાજર થવું જરૂરી છે. જો તે ત્રણ વખતના સમન્સ પર પણ હાજર ના થાય તો તેની ધરપકડ થઈ શકે છે.

EDના સમન્સ અંગે દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે વારંવાર પૂછવા છતાં પણ ED એ નથી જણાવી રહ્યું કે તેઓએ અરવિંદ કેજરીવાલને શા માટે બોલાવ્યા છે. આવી સ્થિતિમાં ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર પણ પ્રશ્નનો ઉભા થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીની તૈયારી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું ષડયંત્ર કરી રહી છે. જેથી કરીને મુખ્ય પ્રધાન લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

ચાર્જશીટ બાદ અરવિંદ કેજરીવાલને કયા આધારે બોલાવવામાં આવે છે? આ સવાલોના જવાબ કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપી શકતું નથી. ત્યારે આજ રીતે તપાસ એજન્સીએ મનીષ સિસોદિયાની છેલ્લા એક વર્ષથી ધરપકડ કરી છે અને તેમની સામે એક પણ પુરાવા રજૂ કરી શકી નથી. કેન્દ્ર સરકાર પણ જાણે છે કે આજે નહીં તો કાલે મનીષ સિસોદિયાને મુક્ત કરવામાં આવશે. વિપક્ષના નેતાઓને કોઈ ને કોઈ કેસમાં પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમારી સામે ભાજપના નેતાઓના મોટા મોટા કેસ આવે છે પરંતુ કોઈ ED, CBI તેમની પૂછપરછ કરી રહ્યું નથી અને કોઈની ધરપકડ નથી કરી રહી.

ત્યારે ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત EDના સમન્સ પર હાજર ન થઈને ભાગેડુ જેવું વર્તન કરી રહ્યા છે. કારણ કે તેઓ જાણે છે કે તેમણે ગુનો કર્યો છે. અને હવે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે. આપ પાર્ટીનું કહેવું છે કે અમે પ્રમાણિક છીએ જો એટલા જ પ્રમાણિક હોય તો કેમ હાઈ કોર્ટે કોઈ રાહત ના આપી. તેમની મનપસંદ કોંગ્રેસ પાર્ટી પોતે કહે છે કે દારૂનું કૌભાંડ થયું છે. અને હવે દારૂ કૌભાંડ પર જવાબ આપવાથી બચવા તમે કહો છો કે હું ચૂંટણીમાં વ્યસ્ત છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button