પાર્ટીથી દૂરી રાખી રહેલા રાઘવ ચઢ્ઢા વિશે કેજરીવાલ શું બોલ્યા જાણો…..

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢા વિશે કહ્યું છે કે તેઓ તેમની સાથે વાત કરી લેશે. આ સાથે જ કેજરીવાલ બીજેપી પર આક્રમક રવૈયો અપનાવ્યો હતો. તેમણે કહ્યું કે કોણ ચુપ છે, કોણ વિદેશ જઈ રહ્યું છે તેનાથી ભાજપને શું સમસ્યા છે? આ તેમની પાર્ટીનો આંતરિક મામલો છે. તેઓ એકબીજા સાથે વાતચીત કરશે.
છેલ્લા ઘણા મહિનાઓથી AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આંખની સારવાર કરાવવા માટે વિદેશ ગયા હતા. જ્યાંથી તેઓ થોડા દિવસ પહેલા જ પરત ફર્યા છે. આ મુદ્દે ભાજપ AAP પાર્ટી પર પ્રહારો કરી રહી છે. જ્યારે કેજરીવાલ જેલમાં ગયા ત્યારે પણ રાઘવ ચઢ્ઢા ભારતમાં નહોતા જ્યારે અન્ય ઘણા પક્ષના નેતાઓ કેજરીવાલ સાથે ખભે ખભા મિલાવીને ઉભા હતા.
આ સાથે અરવિંદ કેજરીવાલે એ વાતને નકારી કાઢી હતી કે તેમણે પાર્ટીના ત્રણ રાજ્યસભા સાંસદોના રાજીનામાની માંગ કરી હતી. સ્વાતિ માલીવાલના કિસ્સામાં પણ અરવિંદ કેજરીવાલે નકારી કાઢ્યું હતું કે માલીવાલને રાજ્ય સભામાંથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.
એક ઈન્ટરવ્યુ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે સ્વાતિ માલીવાલ કેસમાં રાજ્યસભાનો કોઇ મુદ્દો જ નથી. તેમણે રાઘવ ચઢ્ઢાનું રાજીનામું માંગવામાં આવ્યું હતું તે વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. કેજરીવાલે કહ્યું કે આ ભાજપની યોજના છે જેથી તેઓ ચૂંટણીના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવી શકે. કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી મોંઘવારીનો ઉકેલ લાવવાની વાત નથી કરતા. તેમના પરથી ધ્યાન હટાવવા માટે શરદ પવારને ભટકતી આત્મા અને ઉદ્ધવ ઠાકરેને નકલી ઠાકરે કહે છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ વખતે રાઘવ ચઢ્ઢા વિદેશમાં હતા. આ મામલે ભાજપ કેજરીવાલ પર જોરદાર પ્રહારો કરી રહી છે. કેજરીવાલે ભાજપ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મારે મારા સાંસદો સાથે શું કરવું અને શું ન કરવું એ હું જોઇ લઇશ.