Delhi Excise Policy: આજે પણ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAP પ્રવક્તાએ જણાવ્યું કારણ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને પૂછપરછ માટે હાજર થવા ત્રીજીવાર નોટિસ મોકલી હતી, જોકે ત્રીજી નોટિસ બાદ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન આજે ED સમક્ષ હાજર થવાના નથી. નોટિસના સંદર્ભમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી કહેવામાં આવ્યું છે કે કેજરીવાલને ચૂંટણી પ્રચારથી રોકવા માટે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. AAPનું એમ પણ કહેવું છે કે કેજરીવાલ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર હાજર થવાના નથી. પાર્ટીએ EDના સમન્સ પર પણ સવાલો ઉઠાવ્યા છે. AAPનું કહેવું છે કે કેજરીવાલ EDની તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ નોટિસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પાર્ટીએ સવાલ કર્યો છે કે ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી. તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરવાનો છે. તેઓ દિલ્હીના સીએમને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માંગે છે.
ગઈ કાલે મંગળવારે જ AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે સ્પષ્ટ કર્યું હતું કે ED નોટિસ પર કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમને પૂછવામાં આવ્યું કે શું કેજરીવાલ ED સમક્ષ હાજર થશે? તેના પર પ્રિયંકાએ કહ્યું, ‘અમારી લીગલ ટીમ આ સવાલનો વધુ સારી રીતે જવાબ આપશે. અમે કાયદા મુજબ કામ કરીશું.
EDએ અગાઉ મુખ્ય પ્રધાન કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેમણે હાજર થવાનો ઇનકાર કર્યો હતો. હવે મુખ્ય પ્રધાન કેજરીવાલ હાજર ન થાય તો EDના અધિકારીઓ તેમના ઘરે જઈને પૂછપરછ કરી શકે છે.