રેટ માઇનર્સને નહિ તો કોને મળ્યા કેજરીવાલ? મજૂરોએ કહ્યું અમને તો નથી મળ્યા..
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 12 રેટ માઇનર્સે તેમનો કિંમતી જીવ જોખમમાં મુકીને બહાર કાઢ્યા હતા. એ પછી દિલ્હીની કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે રેટ માઇનર્સ સાથે મુલાકાત કરી હતી, જો કે હવે રેટ માઇનર્સ દાવો કરી રહ્યા છે કે કોઇ મુખ્યપ્રધાન-મંત્રી તેમને મળ્યા નહોતા.
મીડિયા અહેવાલો મુજબ સીએમ કેજરીવાલ સહિત દિલ્હી સરકારમાં પ્રધાનો આતિશી, સૌરભ ભારદ્વાજે આ રેટ માઇનર્સ સાથે 2 ડિસેમ્બરે મુલાકાત કરી હતી, પરંતુ રેટ માઇનર્સે આ સમાચારને રદિયો આપ્યો છે. દિલ્હી જલ બોર્ડ તથા મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી કોઇએ તેમનો સંપર્ક સાધ્યો ન હતો. ત્યારે એવું શક્ય છે કે આ રેટ માઇનર્સના બદલે તેઓ અન્ય શ્રમિકોને મળ્યા હોય.
વકીલ હસન નામના એક રેટ માઇનરે એવો દાવો કર્યો છે કે પહેલા જ્યારે એ સમાચાર વહેતા થયા કે કેજરીવાલ અમને મળ્યા છે ત્યારે અમને એવું લાગ્યું કે કોઇ ફેક એકાઉન્ટ દ્વારા એ વાતો ફેલાવવામાં આવી હશે, ખરેખર તો એવું કંઇ બન્યું જ નથી. દિલ્હી જલ બોર્ડમાંથી પણ કોઇ અધિકારી અમને મળવા આવ્યા નથી.
આ ઉપરાંત રેટ માઇનર્સે જણાવ્યું હતું કે ઉત્તરાખંડની ધામી સરકારે રેટ માઇનર્સને પચાસ-પચાસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જ્યારે અંદર ટનલમાં ફસાયેલા લોકોને એક-એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આ અમારી સાથે અન્યાય છે. આ મામલે સીએમ ધામીએ અમને ઘટતું કરવા ખાતરી આપી હતી, તેવું રેટ માઇનર્સે કહ્યું હતું.