કેજરીવાલે મોદી સરકાર પર લગાવ્યો આ મોટો આરોપ…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને એવી માહિતી આપી હતી કે છેલ્લા આઠ વર્ષથી મને ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. કેજરીવાલે લખ્યું હતું કે મને ફસાવવાનો કારસો આજ કાલનો નથી પરંતુ મોદી સરકાર 2015થી મને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરી રહી છે. જ્યારથી આપ દિલ્હીમાં સત્તા માં આવી ત્યારથી મને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. કેન્દ્રની સત્તામાં રહેલા લોકો દ્વારા મારા પર વિવિધ પ્રકારના દબાણ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કોઈને કોઈ કેસમાં સીબીઆઈ અથવા ઈડી દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. AAPના ત્રણ અગ્રણી નેતાઓ હાલમાં જેલમાં છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કેસમાં 26 ફેબ્રુઆરીથી જેલમાં છે. આ ઉપરાંત AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેના નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. રાજકીય દુશ્મનાવટ ઉભી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2013માં દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. સરકાર બન્યાના 10 વર્ષમાં જ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો હતો. ત્યારે AAPએ આરોપ લગાવ્યો છે કે તેમની પાર્ટીના ઝડપી વિકાસથી ભાજપ ડરી ગઈ છે.