વિપશ્યના માટે રવાના થયા કેજરીવાલ, EDનું સમન્સનું શું થશે?
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં વિપશ્યના માટે રવાના થઇ ગયા છે. 21 ડિસેમ્બરે EDએ તેમને આબકારી નીતિ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના સીએમનો આ વિપશ્યના કાર્યક્રમ પૂર્વનિર્ધારિત હતો, જેમાં 30 ડિસેમ્બર સુધી તેઓ હાજરી આપશે, અને આ કાર્યક્રમને પગલે તેઓ ED સમક્ષ હાજર નહી થઇ શકે.
દિલ્હીના કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે અગાઉ 16 એપ્રિલે EDએ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીઓએ તેમને ફરી પૂછપરછ કરવા માટે 2 નવેમ્બરે સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ એ સમયે તેમણે પાંચેય રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરીને ED સામે રજૂ થયા ન હતા. જે પછી 18 ડિસેમ્બરે EDએ તેમને ફરી સમન્સ જાહેર કરીને 21 ડિસેમ્બરે રજૂ થવા માટે કહ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમનો વિપશ્યના શિબિરમાં જવાનો કાર્યક્રમ પહેલેથી નક્કી હતો, આથી તેઓ આ વખતે ED સમક્ષ હાજર નહી થાય. વિપશ્યના એક પ્રાચીન ધ્યાન પદ્ધતિ છે જેનો અભ્યાસ કરનારા લોકો અમુક સમય માટે દુનિયાથી અળગા થઇને એકાંતવાસમાં સમય પસાર કરે છે. આ એક પ્રકારના યોગાભ્યાસ જેવું છે, જેમાં બહારની દુનિયા સાથે વ્યક્તિનો સંપર્ક અમુક સમય માટે કપાઇ જાય છે.
વિપશ્યના આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિ માટેનો અસરકારક ઉપાય છે. વિપશ્યના કેન્દ્રમાં રહીને લોકો માનસિક સાધના કરે છે. ધ્યાન સાધનાની આ પદ્ધતિમાં માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતાની પરીક્ષા થાય છે. તે વ્યક્તિની દ્રઢ ઇચ્છાશક્તિની પણ પરખ કરે છે.