21 દિવસ અને 4 તબક્કામાં કેજરીવાલ રાજકીય માહોલ કેટલો બદલી શકશે?
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણીપ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે તેમણે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જેલમાથી છૂટતા જ કેજરીવાલ લોકસભા ચૂંટણીનાં પ્રચારમાં લાગી જશે.
કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન માંગ્યા હતા. કોર્ટે પહેલા જ સંકેત આપી દીધા હતા કે કેજરીવાલના જામીનનો રસ્તો બહુ મુશ્કેલ નથી. કોર્ટે સાફ સાફ કહી દીધું હતું કે કેજરીવાલ કોઈ ગુનાહિત આદત ધરાવતા નથી, જ્યારે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ દલીલ કરી હતી કે જો તેમને ચૂંટણીના પ્રચાર માટે જામીન આપવામાં આવશે તો અમૃતપાલ જેવા કેસનો દાખલો બેસશે.
સહાનુભૂતિ વોટ મેળવવા કોશિશ
સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં સહાનુભૂતિનો લાભ મેળવવા કોશિશ કરશે. તેઓ ન માત્ર સહાનુભૂતિના મત મેળવવા કોશિશ કરશે, પરંતુ ચૂંટણીમાં એ બાતને પણ મુદ્દો બનાવી શકે છે કે કોર્ટે તેમને ઇડીના વિરોધ છ્તાં જામીન આપ્યા. હવે અરવિંદ કેજરીવાલ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં થનારી લોકસભા ચૂંટણીમા પ્રચારમાં જોડાશે.
દિલ્હીમાં 25મી મેએ વોટિંગ છે હરિયાણામાં ચોથા તબક્કામાં મતદાન થશે તો પંજાબમાં પહેલી જૂને છેલ્લા તબક્કામાં વોટિંગ થશે. આમ આદમી પાર્ટી હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે તો પંજાબની તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે. કેજરીવાલ જ્યારે જેલમાં હતા ત્યારે પત્ની સુનિતાએ ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળતા સતત રેલીઓ અને સંકલ્પ સભાઓ સંબોધી હતી.
દિલ્હીમાં 25મી મેએ મતદાન
જણાવી દઈએ કે દિલ્લીની તમામ 7 લોકસભા બેઠક પર 25મીના વોટિંગ થશે. અહીં 162 ઉમેદવાર મેદાનમાં છે દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગેસનું ગઠબંધન છે આપ 4 અને કોંગ્રેસ 3 પર ચૂંટણી લડી રહી છે. જેલમાથી છૂટ્યા બાદ કેજરીવાલ જોરશોરથી પ્રચારમાં લાગી જશે. આ દરમિયાન તેઓ પોતાના જેલવાસથી માંડીને કોર્ટે આપેલી રાહતનો લાભ લેવામાં કોઈ કસર બાકી રાખશે નહીં.
સુપ્રિમ કોર્ટની સખત ટિપ્પણી
ઇડીના વિરોધ છ્તા કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે 21 દિવસોમાં કોઈ ફેર નથી પડતો. જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોઢ વર્ષ સુધી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી નહીં અને હવે 21 દિવસોમાં કશું નહીં થાય. અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા છે. કેજરીવાલે જો કે જૂલાઈ સુધીનો સમય માંગ્યો હતો. તેમને પહેલી જૂન સુધીનો સમય અપાયો છે. કેજરીવાલે બીજી જૂને આત્મસમર્પણ કરવાનું રહેશે.