નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) 1 એપ્રિલથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારવાર અંગે આમ આદમી પાર્ટી(AAP)એ સવાલો ઉભા કર્યા છે. AAP નેતાઓ દાવો કર્યો હતો કે કેજરીવાલને ડાયાબિટીસ(Diabetes) છે પરંતુ તેમને ઇન્સ્યુલિન(Insulin)ના ડોઝ નથી આપવામાં આવી રહ્યા, જેથી તેના જીવને જોખમ છે. આ વિવાદમાં હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના(VK Saxena)એ પણ જંપલાવ્યું છે. એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે કેજરીવાલના ડૉક્ટરોએ જ તેમને ઈન્સ્યુલિન આપવાની મનાઈ કરી છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, કેજરીવાલના સ્વાસ્થ્યને અંગે તિહાર જેલ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ પકડાઈ ગયું છે. કેજરીવાલના સ્વાસ્થ્ય બબાતે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ તેલંગાણાના ખાનગી ક્લિનિક્સમાં સારવારને આધારે કરવામાં આવ્યા છે.
એલ જી ઓફિસના નિવેદન અનુસાર, અરવિંદ કેજરીવાલ ઈન્સ્યુલિન રિવર્સલ પર હતા અને તેમની ધરપકડના ઘણા સમય પહેલા ડોક્ટરે ઈન્સ્યુલિનનો ડોઝ બંધ કરી દીધા હતા. તેમણે દિલ્હીની સ્વાસ્થ્ય વ્યવસ્થાને અંગે પણ આમ આદમી પાર્ટીના દાવા પર પણ પ્રહારો કર્યા અને નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કેજરીવાલને ગુપ્ત રીતે દક્ષિણમાં સારવાર માટે જવું પડશે.
એલજી ઓફિસના નિવેદનમાં આ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ અરવિંદ કેજરીવાલ તેલંગાણા સ્થિત એક ખાનગી ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યા હતા અને તેમના ડૉક્ટરે તેમને ઈન્સ્યુલિનનો ડોઝ આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ ડાયાબિટીસ વિરોધી ટેબ્લેટ મેટફોર્મિન લઇ રહ્યા હતા.
તિહાર જેલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન કેજરીવાલે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્યુલિન લઈ રહ્યા હતા, થોડા મહિના પહેલા તેલંગાણાના ડોક્ટરે ઇન્સ્યુલિન આપવાનું બંધ કરી દીધું હતું.
RML હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ અનુસાર કેજરીવાલને ન તો કોઈ ઈન્સ્યુલિનની સલાહ આપવામાં આવી હતી કે ન તો કોઈ ઈન્સ્યુલિનની જરૂરિયાત વિશે જણાવવામાં આવ્યું હતું. 10 અને 15 એપ્રિલના રોજ કેજરીવાલના સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમને ડાયાબિટીસની દવા લેવાની આપવામાં આવી હતી.