નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) હાલ તિહાર જેલ(Tihar Jail)માં બંધ છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલની તબિયતની બાબતે રાજકીય માહોલ ગરમાયેલો છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે ડાયાબીટીસથી પીડિત કેજરીવાલના શરીરમાં સુગર લેવલ સતત વધી રહ્યું છે. અહેવાલો મુજબ ગઈ કાલે કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન(insulin) આપવામાં આવ્યું છે. કેજરીવાલનું બ્લડ શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું.
સોમવારે અરવિંદ કેજરીવાલે તિહાર જેલ પ્રશાસનને પત્ર લખ્યો હતો. તેમણે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમને દરરોજ ઇન્સ્યુલિન આપવામાં આવે. તેમણે લખ્યું કે AIIMSના ડૉક્ટરોએ ક્યારેય એવું નથી કહ્યું કે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાની જરૂર નથી.
અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન ન આપવાના અહેવાલો બાદ વિવાદ ઉભો થયો હતો, આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ અંગે જેલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તિહારમાં લગભગ 1000 ડાયાબિટીસના દર્દીઓ છે અને તેમને એઈમ્સ સહિતના વરિષ્ઠ ડોક્ટરોની સલાહ મુજબ ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દવા આપવામાં આવે છે.
ઈન્સ્યુલિનની માંગણી સાથે અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે સારવાર માટે ખાનગી ડૉક્ટર પાસેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દરરોજ 15 મિનિટ કાઉન્સેલિંગની માંગ કરી હતી. પરંતુ તેમની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.