CAA ખતરનાક, ભારતે પાક, બાંગ્લાદેશના લોકો માટે દરવાજા ખોલ્યાઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે બુધવારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કરવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, અને જણાવ્યું હતું કે CAAને કારણે ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે કારણ કે ભારતમાં સ્થાયી થયેલા પાડોશી દેશોના ગરીબ લઘુમતીઓ તેની વોટ બેંક બની જશે. ‘ભાજપે પાકિસ્તાની અને બાંગ્લાદેશી રહેવાસીઓ માટે ભારતના દરવાજા ખોલ્યા છે. આ દેશ માટે ખતરનાક છે; પૂર્વોત્તર રાજ્યો – ખાસ કરીને આસામ – તેના માટે ચૂકવણી કરવી પડશે. બાંગ્લાદેશથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને કારણે આમ પણ આસામની સંસ્કૃતિ જોખમમાં છે.
ભાજપ આ ગેરકાયદે સ્થળાંતર કરનારાઓને નાગરિકતા આપવા માંગે છે. એમ જણાવતા કેજરીવાલે આ શરણાર્થીઓ ભારત આવ્યા બાદ તેમને રોજગારીની તકો પૂરી પાડવાની સરકારની તૈયારી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અંદાજે 2.5 થી 3 કરોડ લઘુમતીઓ છે. એકવાર ભારત તેના દરવાજા ખોલશે, તો આ દેશોમાંથી ઘણા લોકો ભારતમાં આવશે. સરકારી નાણાંનો ઉપયોગ આ લોકોને ભારતમાં સ્થાયી કરવા માટે કરવામાં આવશે. તેમણે ભાજપની મતબેંકની રાજનીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે CAA હેઠળ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતમાં સ્થાયી કરવા માટે સરકારી ભંડોળની ફાળવણી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ કાયદો પડોશી દેશોમાં રહેતા લઘુમતી સમુદાયોના લાખો લોકો માટે દરવાજા ખોલશે.
CAA કાયદો ચાર વર્ષ પહેલા પસાર કરવામાં આવ્યો હતો પણ વિપક્ષોના વિરોધ વચ્ચે તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ કાયદો હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોને નાગરિકત્વ આપે છે જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ત્રણ પડોશી દેશોમાંથી ભારતમાં પ્રવેશ્યા હતા. હવે સરકારે આ કાયદાના અમલની જાહેરાત કરી દીધી છે અને આ માટે લોકોની નોંધણી કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું. કેજરીવાલે CAAના અમલીકરણના સમયની ટીકા કરી હતી અને સૂચન કર્યું હતું કે એક દાયકા સુધી શાસન કર્યા પછી, ભાજપનું ધ્યાન નાગરિકતા કાયદા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓનો આશરો લેવાને બદલે તેની સિદ્ધિઓ દર્શાવવા પર હોવું જોઈએ.