કેજરીવાલ જેલમાંથી ચૂંટણી લડી શકે છે, પરંતુ મતદાન ન કરી શકે! જાણો શું છે કાયદો અને ઈતિહાસ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ તિહાર જેલ(Tihar Jail)માં બંધ છે. આમ આદમી પાર્ટી(AAP) ચૂંટણી લડી રહી છે ત્યારે, તેઓ જેલમાં હોવાથી વોટ નહીં આપી શકે. પરંતુ તેઓ ઈચ્છે તો જેલમાંથી ચૂંટણી લડી શકે છે. અહીં સવાલ એ છે કે જેલમાં રહીને કોઈ ચૂંટણી લડી શકે તો પછી મતદાન કેમ ન કરી શકે?
લગભગ દોઢ દાયકા પહેલા પટના હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. કોર્ટે આનો ઇનકાર કરતા કહ્યું કે જ્યારે કેદીઓને મત આપવાનો અધિકાર નથી તો તેમને ચૂંટણી લડવાનો અધિકાર ન મળી શકે.
સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો પરંતુ બાદમાં તત્કાલીન યુપીએ સરકારે કાયદામાં ફેરફાર કરીને જેલમાં બંધ લોકોને ચૂંટણી લડવા છૂટ આપી હતી. પરંતુ જેલમાં બંધ વ્યક્તિ પાસે હજુ પણ મતદાનનો અધિકાર નથી.
જનપ્રતિનિધિત્વ કાયદો, 1951ની કલમ 62(5) હેઠળ, જેલમાં કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકે નહીં, પછી ભલે તે કસ્ટડી હેઠળ હોય કે સજા ભોગવી રહ્યો હોય. મતદાન એ કાયદાકીય અધિકાર છે, પરંતુ જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તેનો અધિકાર આપોઆપ રદ થઈ જાય છે. દોષિતો સિવાય જેઓ ટ્રાયલ હેઠળ છે તેઓ પણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.
કેદીઓને મતાધિકારથી વંચિત કરવાનો ઇતિહાસ અંગ્રેજોના જપ્તી કાયદા 1870થી ચાલતો આવે છે. રાજદ્રોહ અથવા ગુંડાગીરીના દોષિતોને મતદાન માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, તેમનો મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. કારણ આપવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ આટલો ગંભીર ગુનો કરી રહ્યો છે તેને કોઈપણ પ્રકારનો અધિકાર મળવો જોઈએ નહીં, મતદાનનો અધિકાર પણ નહીં.
આ જ નિયમ ભારત સરકાર કાયદો 1935માં પણ લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત અમુક ગુનાઓમાં સજા ભોગવી રહેલા લોકો પોસેથી મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. જો કે, 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમે તેના પર નવેસર ઉમેરવામાં આવ્યો, જે મુજબ આરોપી કે દોષિત અને જેલમાં હોય તેવા દરેક વ્યક્તિનો મતદાન અધિકાર છીનવાઈ જાય છે.
પરંતુ જોગવાઈમાં, જેઓ પ્રિવેન્ટવ ડિટેન્શનમાં છે તેમને મુક્તિ આપવામાં આવી છે. મતલબ કે સરકારે નજરકેદ કર્યા છે એવા લોકો મતદાન કરી શકે છે. આ માટે તેને પોલીસ કોર્ડન હેઠળ મતદાન મથકે લઈ જવામાં આવશે અથવા તેણે સ્થાનિક વહીવટીતંત્રને ઔપચારિક રીતે જાણ કરવી પડશે કે બૂથ પર જઈ રહ્યા છે જેથી તેના પર દેખરેખ રાખી શકાય.
સવાલ એ છે કે, તો પછી કેદીઓને ચૂંટણી લડવાનો અધિકાર કેવી રીતે? ગુનેગારો અને આરોપીઓને મત આપવાનો પણ અધિકાર ન હોય તો તેમને ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ. આ તર્કને બાબતે કોર્ટમાં ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ રાજકીય લડાઈમાં લોકો વિપક્ષી નેતા પર આરોપો લગાવી જેલમાં મોકલી શકે છે. આવી સ્થિતિમાં સક્ષમ વ્યક્તિ જેલમાં હોવાને કારણે ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાશે, જે યોગ્ય નથી.
આ તર્કને કારણે, RP એક્ટની કલમ 62(5)માં વર્ષ 2013માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિને જેલમાં રહીને ચૂંટણી લડવાની છૂટ મળી હતી. તેઓ તેમના લોકો દ્વારા ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે, પરંતુ માત્ર મત આપી શકતા નથી. જામીન પર જેલમાંથી બહાર આવવાથી પણ તેમને આ અધિકાર મળતો નથી.
આરોપોમાંથી નિર્દોષ છૂટ્યા પછી અથવા સજા પૂર્ણ કર્યા પછી જ વ્યક્તિ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે છે.