'યે દોસ્તી..' કેજરીવાલે મનીષ સિસોદિયાને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ | મુંબઈ સમાચાર
નેશનલ

‘યે દોસ્તી..’ કેજરીવાલે મનીષ સિસોદિયાને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

દિલ્હીમાં આબકારી નીતિમાં નાણાં ઉચાપત મામલે જેલમાં બંધ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓના રાજકીય સફરના જૂના દિવસોની એક તસવીર શેર કરીને કેજરીવાલે ભાવુક લખાણ લખ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘આ સ્નેહ, આ વિશ્વાસ, અને આ મિત્રતા ક્યારેય નહિ તૂટે..’

કેજરીવાલે જે તસવીર શેર કરી છે તે જ તસવીર મનીષ સિસોદિયાએ અમુક વર્ષો પહેલા કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે તેમને શુભકામનાઓ પાઠવવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.


ભૂતપૂર્વ ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કેજરીવાલે લખ્યું હતું કે, “આ મિત્રતા ઘણી જૂની છે. આપણો સ્નેહ અને વિશ્વાસ ખૂબ જ મજબૂત છે. જનતા માટે કામ કરવાનો આ જુસ્સો પણ ઘણો જૂનો છે. કાવતરાખોરો ગમે તેટલા પ્રયત્નો કરે… આ વિશ્વાસ, આ સ્નેહ અને આ મિત્રતા ક્યારેય તૂટશે નહીં.”

કેજરીવાલે આગળ લખ્યું, “ભાજપે ખોટા કેસ દાખલ કરીને મનીષને છેલ્લા 11 મહિનાથી જેલમાં રાખ્યા છે, પરંતુ મનીષ તેમના દમનનો સામનો કરીને અડગ છે. તેમની સરમુખત્યારશાહી સામે અમે ન તો ઝૂક્યા છીએ અને ન તો ભવિષ્યમાં ઝૂકીશું. સરમુખત્યારશાહીના આ યુગમાં મનીષની હિંમત આપણને બધાને પ્રેરણા આપે છે. મનીષને જન્મદિવસની શુભેચ્છા.” તેવું કેજરીવાલે ઉમેર્યું હતું.

Back to top button