નેશનલ

દારૂ નીતિ કૌભાંડ ઈડીના સમન્સ છતાં કેજરીવાલ ગેરહાજર

દિલ્હીના એક વધુ પ્રધાનને ત્યાં દરોડા

નવી દિલ્હી: દિલ્હી સરકારની દારૂને લગતી આબકારી જકાતની નીતિના સંબંધમાં એન્ફોૅર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પૂછપરછ માટે મોકલેલા સમન્સની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી અને ઈડી સમક્ષ હાજર નહોતા થયા, જ્યારે ઈડી અને કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ની ટુકડીએ આ નીતિના સંબંધમાં દિલ્હીના એક વધુ પ્રધાન રાજકુમાર આનંદને ત્યાં દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેસ સાથે સંકળાયેલા તપાસ અધિકારીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ તરફથી બે પાનાનો પત્ર મળ્યો હતો જેમાં તેમણે સમન્સ અસ્પષ્ટ, હેતુયુક્ત અને કાયદા સામે ન ટકી શકે એવું હોવાનું જણાવી સમન્સ પાછું ખેંચી લેવા તપાસ એજન્સીને જણાવ્યું હતું. મને દિલ્હીના મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય સંયોજક કે વ્યક્તિગત
રીતે પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હોવા અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી, એમ કેજરીવાલે કહ્યું હતું.

કેજરીવાલના આ જવાબની ઈડી દ્વારા ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

કેસની ટ્રાયલ છથી આઠ મહિનામાં પૂરી કરી દેવામાં આવશે એ પ્રકારની વકીલે આપેલી ખાતરીની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નોંધ લીધી હોવાને કારણે કેજરીવાલને જલદી જ નવું સમન્સ પાઠવવામાં આવે એવી શક્યતા હોવાના સંકેત સૂત્રોએ આપ્યા હતા.

કેજરીવાલને જલદી જ નવું સમન્સ પાઠવવામાં આવશે અને તેમની ધરપકડ કરવામાં આવશે એવા ભાજપના નેતાઓના નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપના પસંદગીના નેતાઓને અગાઉથી આ જાણકારી આપી દેવામાં આવી હતી અને મારી છબી ખરડવા તેમ જ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કેન્દ્ર સરકારના ઈશારે જ આ સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનો દાવો કેજરીવાલે કર્યો હતો.

તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઈઝ પૉલિસી કેસ સંબંધિત મની લૉન્ડરિંગ કેસને મામલે પૂછપરછ કરવા માટે કેજરીવાલને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમેલએ) અંતર્ગત સમન્સ પાઠવ્યા હતા.

કેજરીવાલના પક્ષના અન્ય સાથીદાર મનિષ સિસોદિયા અને સંજય સિંહ કેસને મામલે પહેલા જ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

‘આપ’એ આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ ‘ઈન્ડિયા’ મહાગઠબંધનના ટોચના નેતાઓને નિશાન બનાવવાની ભાજપની યોજનાના ભાગરૂપ કેજરીવાલ ધરપકડ કરાનારા પ્રથમ નેતા હશે અને ઈડી દ્વારા પાઠવવામાં આવેલું સમન્સ દિલ્હી તેમ જ પંજાબમાં સત્તા પર રહેલા પક્ષને ખતમ કરવાનો પ્રયાસ છે.

દારૂના વેપારીઓને પરવાનો આપવા દિલ્હી સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઘડી કાઢવામાં આવેલી એક્સાઈઝ પૉલિસી લાંચ આપનારાઓની તરફેણ કરતી હોવા ઉપરાંત તેમને કાર્ટેલ રચવાની પરવાનગી આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, ‘આપ’ દ્વારા આ આક્ષેપોને વારંવાર નકારી કાઢવામાં આવ્યા હતા.

આ નીતિ અંતે રદ કરવામાં આવી હતી અને દિલ્હીના રાજ્યપાલે આ મામલે સીબીઆઈ તપાસ યોજવાની ભલામણ કરી હતી જેને પગલે ઈડીએ પીએમએલએ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

દરમિયાન, ઈડીએ ગુરુવારે મની લૉન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપ ગુરુવારે દિલ્હીના કૅબિનેટ પ્રધાન અને ‘આપ’ના નેતા રાજકુમાર આનંદને ત્યાં દરોડા પાડ્યા હતા.

રાજકુમાર આનંદના નિવાસસ્થાન તેમ જ અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઈડીની ટીમ સાથે સીઆરપીએફની ટુકડી પણ હાજર રહી હતી.

૫૭ વર્ષના રાજકુમાર આનંદ અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની સરકારમાં સામાજિક કલ્યાણ તેમ જ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ ખાતાના પ્રધાન છે.

રાજકુમાર આનંદ પટેલ નગર મતદાર ક્ષેત્રના વિધાનસભ્ય છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker