
નવી દિલ્હીઃ બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં (cabinet meeting) અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડનો મોટી ભેટ આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિલોમીટર લાંબા રોપ વે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. તેનો સૌથી મોટો ફાયદો જે યાત્રામાં 8-9 કલાક લાગતા હતા, તેનો સમય ઘટીને હવે 36 મિનિટ થઈ જશે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું, 12.9 કિલોમીટર રોપ વે બનાવવાથી શ્રદ્ધાળુઓનો સમય બચશે. આ યોજના ઑસ્ટ્રિયા અને ફ્રાંસના નિષ્ણાતોની મદદથી પૂરી કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું, આશરે 4081 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમના માટે ચારધામની આ યાત્રામાં આ પ્રોજેક્ટ આશીર્વાદ સમાન બની શકે છે. ગત વર્ષે આશરે 23 લાખ ભક્તો કેદારનાથ આવ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓના કિંમતી સમયની પણ બચત થશે.
કેદારનાથ 3583 મીટરની ઊંચાઈ પર આવેલું છે. કેદારનાથની યાત્રામાં ગૌરીકુંડથી 16 કિલોમીટરનું પડકારરૂપ ચઢાણ છે. વર્તમાનમાં તેમાં પગપાળા, પાલકી અને હેલિકોપ્ટરની સુવિધા છે. પ્રસ્તાવિત રોપ વેની યોજના મંદિરમાં આવતા શ્રદ્ધાળુની સુવિધા આપવા તથા સોનપ્રયાગ અન કેદારનાથ વચ્ચે તમામ સિઝનમાં કનેક્ટેવિટી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે.
Also read: કેદારનાથ, ગંગોત્રીના મંદિર બંધ કરાયા
આ ઉપરાંત મોદી સરકાર દ્વારા હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. તેના પર 2730.13 કરોડ રૂપિયા ખર્ચ થશે. 12.4 કિલોમીટર લાંબી આ યોજના હેમકુંડ સાહિબને ગોવિંદઘાટ સાથે જોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ વે યોજનાના વિકાસને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટથી હેમકુંડ સાહિબથી વેલો ઓફ ફ્લાવર સુધીની યાત્રા કરી શકાશે.