
હૈદરાબાદ: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બીઆરએસना વડા કે. ચંદ્રશેખર રાવ તેમના ફાર્મ હાઉસમાં પડી જવાથી ઇજા પામ્યા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાબા પગમાં ગંભીર ઈજા થઈ છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, તેમના હિપનું હાડકું પણ તૂટી ગયું છે.
વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ની હાર બાદ પૂર્વ સીએમ કેસીઆર એરાવલ્લી સ્થિત તેમના ફાર્મહાઉસ ગયા હતા. તેમણે બે દિવસ પહેલા એરાવલ્લી સ્થિત તેમના ફાર્મહાઉસ પર પાર્ટીના ધારાસભ્યોની બેઠક પણ લીધી હતી.
થોડા દિવસો પહેલા જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં BRSને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. એવા સમયે KCR સાથેની આ ઘટના બની છે. 119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં BRS માત્ર 39 બેઠકો જીતવામાં સફળ રહી હતી. અહીં BRSની હરીફ કોંગ્રેસનો વિજય થયો છે, જેણે 64 બેઠકો જીતીને પહેલીવાર રાજ્યમાં સરકાર બનાવી છે. કોંગ્રેસે રાજ્યના પ્રમુખ રેવંત રેડ્ડીને તેલંગાણાના મુખ્ય પ્રધાન બનાવ્યા છે.
પૂર્વ સીએમ કેસીઆરનું એરાવલ્લી ફાર્મ હાઉસ સિદ્ધિપેટ જિલ્લાના ગજવેલમાં આવેલું છે. KCR ગજવેલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર ઈટાલા રાજેન્દ્રને 45000થી વધુ મતોના અંતરથી હરાવ્યા છે. પરંતુ કેસીઆર કામરેડ્ડીથી હારી ગયા છે. આ વખતે કેસીઆર વિધાનસભા ચૂંટણીમાં બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા હતા. કેસીઆર હાલમાં ઘરે રહીને પાર્ટીની હારની સમીક્ષા કરી રહ્યા હતા.