Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે જેડીયુને આંચકો, કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું
Patna: બિહાર(Bihar)વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા દળ (યુનાઈટેડ) જેડીયુને મોટો આંચકો લાગ્યો છે. જેમાં જેડીયુના કદાવર નેતા કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના રાજીનામાનું કારણ અંગત માનવામાં આવી રહ્યું છે . જો કે તેમના સ્થાને રાજીવ રંજન પ્રસાદને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના મહાસચિવ અફાક અહેમદ ખાને એક પત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.
વિશેષ સલાહકારની પણ નિમણૂક કરી
રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે રાજીવ રંજન પ્રસાદને પાર્ટીના નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. પીઢ જેડીયુ નેતા ત્યાગીને મે 2023 માં રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક અંગે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાગીના સંગઠનાત્મક અનુભવનો લાભ લેવા માટે બિહારના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા નીતિશ કુમારે તેમને પાર્ટીના વિશેષ સલાહકાર અને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.
અભિપ્રાયના મતભેદો સાથે સંકળાયેલા કારણો
જો કે, કેસી ત્યાગીના રાજીનામા પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જેમાં તેમના નિવેદનોને કારણે પાર્ટીમાં મતભેદોનો સમાવેશ થાય છે. કેસી ત્યાગી લાંબા સમયથી જેડીયુનો અગ્રણી ચહેરો છે. તાજેતરમાં અને ભૂતકાળમાં તેમણે એવા ઘણા નિવેદનો આપ્યા હતા જે પાર્ટીની સત્તાવાર લાઇનથી અલગ હતા.
ઇઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો રોકવાના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા
કેસી ત્યાગીના નિવેદનના કારણે એનડીએમાં મતભેદ હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. ખાસ કરીને વિદેશ નીતિના મુદ્દે તેઓ ઇન્ડી ગઠબંધનના નેતાઓ સાથે જોડાયા અને ઇઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો રોકવા માટે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા. આ પગલાએ જેડીયું નેતૃત્વની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જેના કારણે પાર્ટીમાં વિવાદ વધ્યો હતો.